પોલીસે તડજોડ માટે પિતાને ફોન કર્યાના દાવા બાદ હાઈ કોર્ટે કોલ રેકોર્ડ મગાવ્યો
અમદાવાદની દુકાનેથી ઉંચકીને મુંબઈ લાવી નોટિસ અપાઈ
મુંબઈ પોલીસે ધરપકડ કરવામાં કાયદાનો ભંગ કર્યાનું તથા પોલીસ સામેના આરોપો ગંભીર હોવાનું નોંધીને નિર્દેશ
મુંબઈ : ઠગાઈના કેસમાં ગુજરાતના શખસને જામીન આપવાનો બોમ્બે હાઈ કોર્ટે આદેશ આપીને નિરીક્ષણ કર્યું હતું કે મુંબઈ પોલીસે ધરપકડ કરવામાં કાયદાનો પ્રથમદર્શી ભંગ કર્યો છે. પોતાના કોલ રેકોર્ડનો ઉપયોગ પોલીસે પિતા પાસેથી તડજોડ કરવા પૈસા માગવા દસ દિવસ સુધી કર્યો હોવાનો અરજદારે આરોપ કરતાં મુંબઈ ડીસીપી ઝોન -ટુને કોલ ડિટેઈલ રેકોર્ડ પણ મગાવાવનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે પાંચ એપ્રિલે ભાઈરારામ સારસ્વતને જામીન આપીને નિરીક્ષણ કર્યું હતું કે અરજદારને મોકલાવેલી નોટિસ શંકાસ્પદ છે અને પોલીસે આરોપીને સીધો ઉપાડી લીધો છે અને કસ્ટડીમાં સતામણીનો પણ આરોપ છે. પોલીસ અધિકારી સામેના આરોપો ગંભીર છે અને તેમણે તેનો જવાબ આપવો જરૃરી છે.
અરજદારે જણાવ્યું હતું કે સાદા વેશમાં આવેલી પોલીસે તેને અમદાવાદની દુકાનમાંથી ઉપાડીને સીધો મુંબઈ લાવ્યા હતા જ્યાં તેને નોટિસ અપાઈ હતી. તેના વકિલે જણાવ્યું હતું કે પોલીસે આરોપીના ફોન પરથી તેના પરિવાર સાથે વાત કરી હતી.ઓડિયો રેકોર્ડિંગ જણાવશે કે પોલીસે અરજદારના પિતા પાસેથી પૈસા માગ્યા હતા કે નહીં. આથી કોર્ટે ૧૯થી ૩૦ માર્ચ દરમ્યાનના સીડીઆર અને વોટ્સએપ મેસેજ, કોલ અને ટેક્સ્ તપાસવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સુનાવણી ત્રીજી મે પર રાખી છે.