ફિલ્મ શિર્ષકમાં કરણ જોહરનું નામ વાપરવા સામે હાઈકોર્ટનો સ્ટે
શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર' સામ કરણે વાંધો લીધો હતોે
ફિલ્મમાં સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા અરજદારને લક્ષ્ય બનાવાયાનું સ્પષ્ટ હોવાની હાઈકોર્ટની નોંધ
મુંબઈ : આગામી હિન્દી ફિલ્મ 'શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર'ના નિર્માતાને બોલીવુડના ડિરેક્ટર અને પ્રોડયુઝર કરણ જોહરનું નામ અને તેમની અગંત બાબતોને ફિલ્મના શિર્ષક કે ફિલ્મમાં વાપરવાથી બોમ્બે હાઈ કોર્ટે અટકાવતો વચગાળાનો આદેશ આપ્યો છે. આવો ગેરકાયદે ઉપયોગ અરજદારના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. ફિલ્મ કે ફિલ્મના શિર્ષકમાંથી કરણ જોહરનું નામ અને ઉલ્લેખ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી થિએટર કે કોઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થવી જોઈએ નહીં, એમ ન્યા. છાગલાએ આદેશમાં જણાવ્યું હતું. ફિલ્મ ૧૪ જૂને રજૂ થવાની હતી.
કોર્ટે નોંધ કરી હતી કે પ્રથમદ્રષ્ટીએ ફિલ્મમાં કરણ જોહરને લક્ષ્ય બનાવાયા છે અને તેના નામ અને અંગત વિગતો તેની પરવાનગી વિના વાપરીને મૂળભૂત અધિકાર અને વ્યક્તિત્વના અધિકારોનો ભંગ કર્યો છે.
જજે જણાવ્યું હતુંં કે ફિલ્મમાં ડિરેક્ટર તરીકે કરણ જોહરનો ઉલ્લેખ કરાયો છે. ટ્રેલર જોયા બાદ જણાય છે કે કરણ અને જોહર બે જુદી વ્યક્તિનો ઉલ્લેખ નથી.
અરજદારે નોટિસો મોકલાવ્યા છતાં પણ પ્રતિવાદીએ કોર્ટમાં હાજર રહેવાની કે બચાવ કરવાની દરકાર લીધી નથી એમ નોંધીને કોર્ટે ૧૦ જુલાઈ પર સુનાવણી રાખી છે.
જોહરે અરજીમાં ફિલ્મ નિર્માતા ઈન્ડિયા પ્રાઈડ એડવાઈઝરી અને સંજય સિંહ તથા લેખત દિગ્દર્શક બબલુ સિંહ સામે ફિલ્મના નામમાં પોતાનું નામ વાપરવાથી અટકાવતો કાયમી આદેશ આપવાની દાદ માગી હતી.
જોહરે આગ્રહ રાખ્યો હતો કે તેને ફિલ્મ કે તેના નિર્માતા સાથે કોઈ સંબંધ નથી અને પોતાનું નામ ગેરકાયદે વપરાઈ રહ્યું છે. ફિલ્મના શીર્ષકમાં પોતાના નામનો ઉલ્લેખ હોવાથી પોતાના અંગત અધિકાર અને ગુપ્તતાના અધિકારનું હનન થયું છે.
ફિલ્મ નિર્માતા પોતાના બ્રાન્ડ નામ, ગુડવિલ અને પ્રતિષ્ઠાનો પરવાનગી વિના ઉપયોગ કરી રહ્યા છે.ગેરકાયદે નામનો વપરાશ કરવાથી પોતાની પ્રતિષ્ઠાને અનહદ હાનિ થઈ રહી છે, એમ અરજીમાં જણાવ્યું હતું.