ઈન્દ્રાણી મુખરજી પર આધારીત ડોક્યુસિરીઝ સામે હાઈ કોર્ટનો સ્ટે
સીબીઆઈ માટે ખાસ શો રાખવા નિર્માતાઓને આદેશ
આ શો રજૂ થવાથી કેસની તપાસ, ચુકાદા તથા લોકોના દૃષ્ટિકોણ પર અસર થઈ શકે છે તેમ જણાવી સીબીઆઈએ સ્ટે માગ્યો હતો
મુંબઈ : શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી તેની માતા ઈન્દ્રાણી મુખરજી પર દસ્તાવેજી સિરીઝ પર હાઈ કોર્ટે સ્થગિતી આપી છે. આ ડોક્યુસિરીઝ ઓટીટી પ્લોટફોર્મ પર રિલીઝ કરવા પહેલાં કેસની તપાસ કરતી એજન્સી સીબીઆઈ માટે સ્પેશ્યલ સ્ક્રિનિંગ ગોઠવવાનો નેટફ્લિક્સને નિર્દેશ આપ્યો છે.નેટફ્લિક્સે કોર્ટને જણાવ્યું હતું કે ૨૯ ફેબુ્રઆરી સુધી આ સિરીઝ રિલીઝ કરવામાં આવશે નહીં.
સિરીઝ પર સ્ટે ઈચ્છતી સીબીઆઈની અરજી વિશેષ કોર્ટે ફગાવી દેતાં એજન્સીએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી અને તાકીદની સુનાવણી માગી હતી. ઉલ્લેખનીય છે કે ૨૩ ફેબુ્રઆરીએ ઓટીટી પર ડોક્યુસિરીઝ રિલીઝ થવાની હતી. 'ધ ઈન્દ્રાણી મુખરજી સ્ટોરીઃ ધ બરીડ ટ્રુથ' નામની આ સિરીઝ પચ્ચીસ વર્ષની શીના બોરાના ગુમ થવાની ઘટના પર આધારીત છે. ડોક્યુસિરીઝ રિલીઝ થતાં કેસની તપાસ પર, ચુકાદા પર અને લોકોના દ્રષ્ટિકોણ પર અસર થઈ શકે છે.
સીબીઆઈએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી અને અન્ય સંબંધીતોને દસ્તાવેજીમાં આરોપીઓ અને સંબંધીત વ્યક્તિઓને દર્શાવતા અટકાવવા અથવા સ્થગિતી આપવાનો નિર્દેશ આપવામાં આવે. કેસની સુનાવણી પૂરી થાય નહીં ત્યાં સુધી કોઈ પ્લેટફોર્મ પર તેનું પ્રસારણ અટકાવવાની પણ દાદ માગી હતી.
નેટફ્લિક્સ વતી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે ડોક્યુ સિરીઝમાં પાંચ સાક્ષીદારોની મુલાકાત લેવાઈ છે જેમાં ઈન્દ્રાણીના પુત્ર મિખાઈલ (શીનાનો ભાઈ) અને ઈન્દ્રાણી અને પીટર મુખરજીની પુત્રી વિધિનો પણ સમાવેશ થાય છે. આ પાંચમાંથી ત્રણ સાક્ષીદારના નિવેદન હજી કોર્ટે રેકોર્ડ કરવાના બાકી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સીબીઆઈએ છેલ્લી ઘડીે વિરોધ કરવાને બદલે વહેલાં કોર્ટમાં જવું જોઈતું હતું.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. મંજુશા દેશપાંડેએ નિર્માતાઓને સીબીઆઈ અધિકારીઓ માટે વિશેષ સ્ક્રિનિંગનું આયોજન કરવાનો આદેશ આપીને આવતા ગુરુવાર પર સુનાવણી રાખી છે. અઠવાડિયુ રિલીઝ મોકૂફ રાખવાથી આભ ફાટવાનું નથી. કોર્ટે સીબીઆઈના વકિલ ક્ષીરામ શિરસાટને પણ વિશેષ સ્ક્રિનિંગમાં સિરીઝ જોવાનું જણાવ્યુંહતું કેમ કે લો ઓફિસર તરીકે તમારો દ્રષ્ટીકોણ જુદો હોઈ શકે છે.
એપ્રિલ ૨૦૧૨માં શીનાને ઈન્દ્રાણી, તેના ડ્રાઈવર શ્યામવર રાઈ અને ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાએ મળીને કારમાં ગળું ઘોંટીને મારી નાખી હોવાનો આરોપ છે.
અગાઉના સંબંધમાંથી શીના ઈન્દ્રાણીની પુત્રી હતી. તેનો મૃતદેહ રાયગડ જિલ્લાના જંગલમાં બાળી નખાયોહ તો. ૨૦૧૫માં ડ્રાઈવર રાયની ધરપકડ થતાં આ ઘટના બહાર આવી હતી. હાલ કેસના બધા આરોપી જામીન પર છે.