શહીદની વિધવાને આર્થિક સહાયમાં સરકારના ઠાગાઠૈયાથી હાઈકોર્ટને આંચકો

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
શહીદની  વિધવાને આર્થિક સહાયમાં સરકારના ઠાગાઠૈયાથી હાઈકોર્ટને આંચકો 1 - image


સીએમ વ્યસ્ત હોય તો તે અંગે એફિડેવિટ કરો, અમે નિર્ણય કરશું

આતંકી હુમલામાં શહીદ મેજરની વિધવાને સરકાર ટટળાવી રહી હોવાથી હાઈકોર્ટ ભારે નારાજ : આ કોઈ મોટી વાત નથી

સરકારે આચારસંહિતાનું બહાનું કાઢતાં ઠપકોઃ આ કોર્ટના આદેશથી થયેલો અમલ ગણાશે, આચારસંહિતા ભંગ નહીં ગણાય

મુંબઈ :  શહીદની વિધવાને આર્થિક લાભ આપવામાં વિલંબ કરી રહેલી સરકાર આમ તો વીજળીના વેગે અમુક બાબતોમાં નિર્ણય લેતી હોય છે ,એવી ટકોર કરીને સ્પેશ્યલ કેસ ગણીને વિચાર કરવાનું જણાવ્યું હોવા છતાં   સરકાર ઘટતું કરવામાં નિષ્ફળ જતાં હાઈ કોર્ટે પોતાને આંચકો લાગ્યો છે અને સરકારનાં આવાં વલણથી પોતે જરાય ખુશ ન હોવાનું  જણાવ્યું હતું.

આવી બાબતોમાં વિલંબ કરવો એ સ્વીકાર્ય નથી. મુખ્ય પ્રધાન માટે આ કંઈ મોટી વાત નથી, એમ કોર્ટે જણાવ્યું હતું. શહીદ મેજર અનુજ સૂદની વિધવા આકૃતિ સુદે કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. બીજી મે ૨૦૨૦ના રોજ મેજર સુદે આતંકવાદીઓના અડ્ડામાંથી નાગરિકોને છોડાવવાના ઓપરેશન શહીદી વહોરી હતી. તેમને મૃત્યુ પશ્ચાત શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. સરકારના જણાવ્યા અનુસાર ૧૫ વર્ષથી મહારાષ્ટ્રમાં રહ્યા હોય તેઓ લાભો અને ભથ્થા માટે પાત્ર છે. વિશેષ કેસ તરીકે શહીદના પરિવારને લાભ આપવાનું વિચારશે કે કેમ એમ ગયા મહિને કોર્ટે સરકારને સવાલ કર્યો હતો.

સરકારે આચાર સંહિતા લાગુ હોવાથી ચાર સપ્તાહ બાદ નિર્ણય લઈ શકાશે એમ રજૂઆત કરી હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરીને આવું કારણ સ્વીકાર્ય નથી એમ જણાવ્યું હતું.સરકારે મોટું મન કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ ખાસ કરીને હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને. આવા નિર્ણયમાં આચાર સંહિતા વચ્ચે આવશે નહીં કેમ કે નિર્ણય કોર્ટના અગાઉના આદેશ પર લેવાયેલો ગણાશે, એમ જણાવ્યંુ હતું.

સરકારી વકિલે કોર્ટને શુક્રવારે જણાવ્યંં હતું કે સુદને લાભ આપી શકાય તેમ નથી કેમકે તેઓ રાજ્યના ડેમિસાઈલ (નિવાસી) નથી. અમારે યોગ્ય નીતિ વિષયક નિર્ણય લેવો પડશે જેના માટે કેબિનેટ બોલાવવી પડશે. કેબિનેટ હાલ મળતી નથી. 

કોર્ટે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે દરેક વખતે નિર્ણય નહીં લેવા કોઈક કારણ લઈ આવો છે. તમે એવો કેસ હાથ ધરો છો કે જેમાં કોઈકે દેશ ખાતર જીવ ગુમાવ્યો છે. અમે જરાય ખુશ નથી. અમે મુખ્ય પ્રધાનને આ બાબતે વિશેષ કેસ ગણીને નિર્ણય લેવા કહ્યું હતું. જો તેઓ નિર્ણય લઈ શકતા નહોય અને તેઓ એટલા વ્યસ્ત હોય તો અમે સોગંદનામું દાખલ કરીને જણાવો અમે આ કેસ હાથ ધરીશું, એમ ન્યા. કુલકર્ણીએ જણાવીને સરાકરને ૧૭ એપ્રિલ સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.


Google NewsGoogle News