વાનખેડેએ નવાબ મલિક સામે કરેલા કેસમાં હાઈકોર્ટે તપાસની વિગતો માગી
એટ્રોસિટીનો કેસ સીબીઆઈને સોંપવા અરજી
પોલીસની નિષ્ક્રીયતાના આરોપના જવાબમાં પોલીસને કેસ ડાયરી સાથે હાજર રહેવા નિર્દેશ
મુંબઈ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ એનસીપીના નેતા નવાબ મલિક સામેના એટ્રોસિટીના કેસની તપાસ સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સીને સોંપવાની દાદ માગ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે પોલીસ પાસેથી તપાસની વિગત મગાવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસમાં એડિશનલ કમિશનર અને મહાર અનુસૂચિત જાતિના સભ્ય વાનખેડેએ ગયા સપ્તાહે કરેલી અરજીમાં આરોપ કર્યો છે કે આ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાથી પોતાને અને પોતાના પરિવારને માનસિક તણાવ અને અપમાનનો સામનો કરવો પડયો છે.
ઈન્ડિયન રેવેન્યુ સર્વિસીસ (આઈઆરએસ) અધિકારીએ ઓગસ્ટ ૨૦૨૨માં ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં મલિક સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જમાતી (એટ્રોસિટી વિરોધી) કાયદા હેઠળ કેસ કર્યો હતો.
ન્યા. રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવાણની બેન્ચે ગોરેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીને આગામી સુનાવણી પર કેસ ડાયરી સાથે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બે સપ્તાહમાં તપાસની વિગત જણાવવાની રહેશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
ફરિયાદમાં આરોપ કરાયો છે કે મલિકે મુલાકાત અને સોશ્યલ મીડિયા પર વાનખેડે અને તેમના પરિવારના સભ્યોે સામે તેમની જાતિને આધારે બદનક્ષીભરી ટિપ્પણીઓ કરી છે. આ કેસમાં મલિકની ધરપકડ પણ નથી થઈ કે તેમની સામે આજ સુધી આરોપનામું પણ દાખલ થયું નથી. મલિક રાજકીય નેતા તરીકે પોલીસ તંત્ર પર દબાણ લાવી રહ્યા છે.