આરએસએસની કથિત બદનામીના કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટની રાહત
ભાષણમાં ગાંધીજીની હત્યા સંબધી વિવાદાસ્પદ નિવેદનનો આરોપ
ફરિયાદીને નવેસરથી દસ્તાવેજ રજૂ કરવાની પરવનાગી આપતો ભિવંડી કોર્ટનો આદેશ ફગાવ્યો
મુંબઈ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) વિશે વિવાદાસ્પદ નિવેદન કરવાના બદનક્ષીના કેસમાં ભિવંડી કોર્ટે હાલમાં આપેલા આદેશને પડકારતી અરજીમાં હાઈ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આરએસએસ કાર્યકર્તાને નેવસરથી અતિરિક્ત દસ્તાવેજો રજૂ કરવાની પરવાનગી આપતો આદેશ કોર્ટે શુક્રવારે રદ કર્યો છે.
ફરિયાદી રાજેશ કુંતેએ રાહુલ ગાંધીએ ૨૦૧૪માં હાઈ કોર્ટમાં કરેલી અરજીના એનેક્સરને જોડવાની મેજિસ્ટ્રેટ કોર્ટે સંમતિ આપી હતી. આ આદેશને રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ એનેક્સરમાં રાહુલ ગાંધીનું ભાષણ છે જેમાં તેમણે વિવાદિત નિવેદન કર્યાનો આરોપ છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધીએ આરએસએસને લઈ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેની સામે આરએસએસના કાર્યકર્તા રાજેશ કુંતેએ ભિંવંડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિની ફરિયાદ કરી હતી.
૨૦૨૩માં ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટે કુંતેને ગાંધીના ભાષણની નકલ રજૂ કરવા પરવાનગી આપી હતી. આ ભાષણ રાહુલે ૨૦૧૪માં સમન્સ રદ કરવા માગતી અરજીમાં જોડેલું હતું. કુંતેએ દલીલ કરી હતી કે ભાષણના અંશ અરજીમાં સમાવિષ્ટ કરીને ગાંધીએ અજાણતા ભાષણનો સ્વીકાર કર્યો છે.
ગાંધીએ દલીલ કરી હતી કે ભાષણ પુરવાર કરવાને બદલે આખું ભાષણ એડમિટ કરાવવાનો ફરિયાદીનો કારસો છે. આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.