ઘાટકોપર હોર્ડિંગ કેસમાં ભાવેશ ભિંડેની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
ખોટી રીતે ધરપકડ થઈ હોવાની કે કાનૂની ક્ષતિની દલીલો ફગાવી
એક્ટ ઓફ ગોડના કારણે દુર્ઘટના, હવામાન ખાતાંએ બરાબર આગાહી ન હતી કરી તેવી તમામ દલીલો નકારાઈ
મુંબઈ : ઘાટકોપરના હોર્ડિંગની દુર્ઘટના એક્ટ ઓફ ગોડ હોવાની અને પોતાની ધરપકડ ગેરકાયદે હોવાનો દાવો કરીને ઈગો મીડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર ભાવેશ ભિંડેએ કરેલી તાત્કાલિક મુક્તિ માટેની અરજી બોમ્બે હાઈ કોર્ટ ફગાવી દીધી છે. ભિંડેની ધરપકડ મે મહિનામાં થઈ હતી અને હાલ અદાલતી કસ્ટડીમાં છે.
ન્યા. ભારતી ડાંગે અને ન્યા. દેશપાંડેની બેન્ચે અરજીની સુનાવણી કરીને આદેશ આજ પર બાકી રાખ્યો હતો. આદેશમાં કોર્ટે જણાવ્યું હતું કે વ્યક્તિની ધરપકડ કરતી વખતે જરૃરી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ નથી અને કોઈ કાનૂની ઢીલ થઈ ન હોવાનું જણાયું છે.અરજદારે ગેરકાયદે ધરપકડના જણાવેલા કારણો તથ્યહિન છે. આથી અરજી ફગાવવામાં આવે છે.
૧૩ મેની દુર્ઘટનામાં ૧૭ના મોત થયા હતા પણ આ ઘટના કુદરતની મરજી હતી અને પોતાને જવાબદાર ઠેરવી શકાય નહીં એવી ભિંડેએ દલીલ કરી હતી. ભિંડે સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને અરજીની સુનાવણી થાય ત્યાં સુધી વચગાળાના જામીન આપવામાં આવે એવી માગણી કરી હતી.ધરપકડ કરતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરાઈ નથી અને સંબંધીત દસ્તાવેજો પર અપક્ષ સાક્ષીદારોની સહિત વગેરે નિયમ પળાયા ન હોવાની દલીલ કરાઈ હતી.
ભિંડેના વકીલે દલીલ કરી હતી કે તેને ૧૬ મેના રોજ ઉદયપુરથી પકડીને મુંબઈ લવાયો હતો અને ૧૭ મેના રોજ ધરપકડ દર્શાવી હતી. આથી આખો દિવસ ભિંડે ગેરકાયદે અટકાયતમાં રહ્યો હતો. ભિંડેને ઉદયપુરથી પકડવામાં આવ્યોે હોવાના પોલીસના નિવેદનને તેમણે કોટ કર્યું હતું.
કોર્ટે જોકે જણાવ્યું હતું કે ભિંડે ૧૬મેના રોજ પકડાયો અને તરત જ ૧૭મેના રોજ વિધિવત ધરપકડ દર્શાવી હતી. તમામ પ્રક્રિયા પાર પડાઈ છે. ધરપકડ શબ્દ વ્યક્તિને કાનૂની કસ્ટડીમાં લેવાનો છે સામાન્ય રીતે જ્યારે તેણે કોઈ ગુનો કર્યાની શંકા હોય. કસ્ટડીમાં હોવાની બાબતને વિધિવત ધરપકડની બાબત સાથે સરખાવી શકાય નહીં. વ્યક્તિને કસ્ટડીમાં લેવાનો અથવા આરોપીની હાજરી ધરપકડ કહેવાય નહીં જ્યાં સુધી સૂચવેલી પ્રક્રિયા અનુસરવામાં આવી નહોય, એમ કોર્ટે ફોડ પાડયો હતો.
ભિંડેએ ભારતીય હવામાન ખાતાએ ૧૨ મેના રોજ આપેલી આગાહીને ટાંકીને દાવો કર્યો હતો કે બીજા દિવસે યાગ્ય હવામાનની આગાહી કરવામાં ખાતું નિષ્ફળ ગયું હતું. ભારે પવનો સાથે વાવાઝોડાની આગાહી કરાઈ નહોતી.આને લીધે હોર્ડિંગ તૂટી પડયું હતું, ખામિ યુક્ત બાંધકામને લીધે પડયું નહોતું. આવી ઘટના માટે પોતે કે પોતાની કંપની જવાબદાર નથી. હોર્ડિંગ તમામ પરવાનગી લીધા બાદ કાયદેસર રીતે ઊભું કરાયું હતું.