પેટ્રોલની ચોરીના આરોપીના આગોતરા જામીન હાઈકોર્ટે નકાર્યા
- પેટ્રોલ ચોરીથી દેશના અર્થતંત્ર પર અવળી અસર પડતી હોવાની નોંધ
- ઈન્ડિયન ઓઈલ ટેન્કિંગ લિ.ની પાઈપલાઈનમાંથી મોટર પંપ દ્વારા 13 હજાર લીટર પેટ્રોલની ચોરીમાં રાહત નકારી
મુંબઈ : પેટ્રોલિયમ આધારીત ઈંધણની ચોરી કરવાથી દેશના અર્થતંત્ર પર અવળી અસર કરે છે, એમ બોમ્બે હાઈકોર્ટે નિરીક્ષણ કરીને રૃ. ૧૩.૯૦ લાખની કિંમતના ૧૩ હજાર લીટર પેટ્રોલની ચોરીના આરોપીના આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.
બિઝનેસમેન મોહમ્મદ અહેમદ શફીક ખાન ગુનાનો મુખ્ય આરોપી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આવી ચોરી કરવાથી ઈંધણના ભાવ વધે છે અને કરવેરામાંથી મળતી મહેસૂલ ઘટે છે અને ગેરકાયદે વેપાર છે. ગેરકાયદે વેપારના નેટવર્કને ખુલું પાડવા આરોપીની કસ્ટડી જરૃરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
ખાને ટેન્કર ભાડે લઈને ન્હાવા શેવા પોર્ટ ખાતે ઈન્ડિયન ઓઈલ ટેન્કિંગ લિમિટેડની પાઈપલાઈનમાંથી મોટપપંપદ્વારા પેટ્રોલ પોતાના ટેન્કરમાં ટ્રાન્સફર કરતો હતો.
ચોરેલું બળતણ ગેરકાયદે રાહતના દરે ટેન્કર માલિક અને અન્યોને વેચવામાં આવતું હતું.અરજદાર ઘટનાસ્થળે હાજર નહોવા છતાં દૂપથી ચોરી પર નજર રાખતો હતો. રેકોર્ડ પરના સાહિત્ય પરથી જણાય છે કે અરજદારે સક્રિય સહભાગ લીધો છે અને ગુનામાંથી તેને લાભ થયો છે, એમ જજે નોંધ કરી હતી.