ટીપુ સુલતાનની જન્મજયંતિએ રેલી કાઢવા દેવાનો હાઇકોર્ટનો પુણે પોલીસને આદેશ
હાઇકોર્ટે એઆઇએમઆઇએમની અરજી સ્વીકારી ફંેસલો આપ્યો
જોઇએ તો રેલીનો માર્ગ નક્કી કરો, કડક શરતો લાદો,પણ રેલી કાઢવા દો, તેને અટકાવવાની પોલીસ પાસે કોઇ સત્તા નથીઃ હાઇકોર્ટ
મુંબઇ - મૈસુરના શાસક ટીપુ સુલતાનની જન્મ જયંતિની ઉજવણી કરવા પર કોઇ કાનુની પ્રતિબંધ નથી તેમ જણાવી બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં પોલીસને જણાવ્યું હતું કે તમે રેલીનો માર્ગ નક્કી કરો પણ તમે એમ ન કહી શકો કે તમે રેલી ખાનગી સ્થળે યોજો. આવું સરઘસ ન કાઢવા દેવાનું કોઇ કારણ નથી. જો રેલીમાં અણછાજતી ભાષા વપરાય કે કોઇ ગુનો થાય તો તમે કાનુની કાર્યવાહી કરી શકો છો પણ તમે તેમને રેલી યોજતા ન અટકાવી શકો તેમ જસ્ટિલ રેવતી મોહિતે દેરે અને જસ્ટિસ શિવકુમાર દીઘેની બનેલી બેન્ચે જણાવ્યું હતું. હાઇકોર્ટે ૨૪ ડિસેમ્બરે યોજાનારી રેલી વિશે પોલીસને આખરી યોજના નક્કી કરી આગામી સુનાવણી સત્તરમી ડિસેમ્બરે થાય ત્યારે તેની માહિતી આપવા જણાવ્યું હતું.
અરજદાર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ ઉલ મુસલમીન-એઆઇએમઆઇએમ-ના પુણે જિલ્લાધ્યક્ષ ફૈયાઝ શેખે ૨૬ નવેમ્બરે બારામતીમાં રેલી યોજવાની મંજૂરી માંગી ત્યારે પોલીસે અન્ય સમુદાયના સભ્યોના વાંધાને કારણે ના પાડતાં પોલીસના આ નિર્ણયને શેખે બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. અરજદારના વકીલોએ દલીલકરી હતી કે આ દેશના બંધારણમાં રાણી લક્ષ્મીબાઇ અને ટીપુ સુલતાનની તસવીરો છે. પોલીસના ટીપુ સુલતાનની રેલી માત્ર ખાનગી સ્થળે જ યોજી શકાય અને હિન્દુ બહુમતિ વિસ્તાર બારામતીમાં તે ને યોજી શકાય તેવા પોલીસના આદેશને અરજદારે પડકાર્યો હતો. સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી કે આવા સરઘસ કાઢવા પર કોઇ પ્રતિબંધ નથી પણ ગયા વર્ષે આવી રેલી દરમ્યાન તંગદિલી સર્જાતા બંને જૂથો દ્વારા સામસામે એફઆઇઆર્સ નોંધાવવામાં આવતાં પોલીસે નિયંત્રણો લાદ્યા હતા.
પુણે ગ્રામીણના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પંકજ દેશમુખે વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થઇ જણાવ્યું હતું કે ગયા વર્ષે ટીપુ સુલતાન જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી રેલીમાં બનેલી ઘટનાઓને કારણે ગુના નોંધવામાં આવ્યા હતા. અમે ૨૬ નવેમ્બરે અન્ય બે પ્રસંગો સંવિધાન દિવસ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ સ્મરણોત્સવ માટે સરઘસ કાઢવાની મંજૂરી આપી હતી. બેન્ચે જણાવ્યું હતું કે જો રેલી દરમ્યાન કોઇ ગુનો થાય તો પોલીસ ફરિયાદ નોંધી જરૃરી કાર્યવાહી કરી જ શકે છે પણ રેલી કાઢવા પર પ્રતિબંધ ન મુકી શકે. જસ્ટિસ દેરેએ તેલેંગણાના વિધાનસભ્ય ટી. રાજા સિંહના કેસનો હવાલો આપી જણાવ્યું હતું કે તેમને કડક શરતો અનુસાર જો કોઇ શરતનો ભંગ થાય તો કાનુની પગલાં ભરવાની ચેતવણી સાથે કાર્યક્રમ યોજવા દેવામાં આવ્યો હતો. અદાલતે પોલીસને જનતાના અધિકાર અને સુરક્ષાની ચિંતા વચ્ચે સંતુલન સાધવાનો અભિગમ અપનાવવાનું સૂચન કર્યું હતું.
બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે રેલીઓ મનમાં આવે તેમ આડેધડ પ્રતિબંધિત ન કરી શકાય. જોઇએ તો શરતો લાદો, રેલીનો માર્ગ નક્કી કરો પણ તેમને ૨૪ ડિસેમ્બરે રેલી કાઢવા દો.આગામી સુનાવણી સત્તરમી ડિસેમ્બરે યોજાય ત્યારે પોલીસને આખરી યોજના ઘડી રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ રેલીનો વિરોધ કર્યો હતો જેના પગલે તંગદિલી સર્જાઇ હતી અને સામસામે એફઆઇઆર્સ નોંધાવાઇ હતી. આ વર્ષે પણ આવી જ ચિંતા વ્યક્ત કરી રેલી કાઢવા દેવાની ના પડાઇ હતી પણ અદાલતના હસ્તક્ષેપ બાદ હવે ટીપુ સુલતાનની જન્મ જયંતિએ રેલી કાઢવાનો માર્ગ મોકળો બની ગયો છે.