ખારની ઈમારતના ગેરકાયદે સાત માળ તોડી પાડવા હાઈકોર્ટનો આદેશ
1 માળની સીસી મેળવી આખી ઈમારત ઊભી કરી દેવાઈ
પાલિકાની ડિમોલિશન નોટિસને પડકારતી અરજી અમાન્ય, ફાયર ક્લિયન્સ કે ઓક્યુપેશન સર્ટિ. નહિ હોવાનું પણ કોર્ટે નોંધ્યુ
મુંબઈ : ખાર પશ્ચિમમાં આવેલી આઠ માળની ઈમારતના ટોચના સાત માળ ગેરકાયદે જણાતાં તોડી પાડવા બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ડો.આંબેડકર રોડ પર અવેલી શિવાંજલિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સાત ગેરકાયદે માળ ત્રણ મહિનામાં તોડી પાડવા મુંબઈ મહાનગરપાલિકાને કોર્ટે આદેશ આપ્યો છે.
ન્યા. મહેશ સોનાક અને ન્યા. કમલ ખતાની બેન્ચે જણાવ્યું હતું કે દસ્તાવેજ પરથી સાબિત થાય છે કે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી) માત્ર એક માળ બાંધવા અપાયું હતું પણ ઈમારતમાં હાલ બેસમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને આઠ માળ ચણવામાં આવ્યા છે. ઈમારત ૧૯૯૩માં એજી ડેવપર્સ અને રાવ એન્ડ એસોસિયેટ્સ દ્વારા બનાવાઈ હતી.
પહેલા માળ પછીનું બાંધકામ એટલેકે બીજાથી આઠમો માળ ગેરકાયદે છે, એમ કોર્ટે જણાવ્યુંહતું.
આઠમા માળના રહેવાસી રફિક કબાનીએ જૂન ૨૦૧૮ના એચ-વેસ્ટ વોર્ડ ઓફિસે આપેલી સાત માળ તોડવાની નોટિસને પડકારી હતી. કબાનીએ નોટિસ રદ કરીને પાલિકને કાર્યવાહીથી અટકાવતો વચગાલાનો આદેશ માગ્યો હતો.
કારણદર્શક નોટિસમાં છ માળ ગેરકાયદે હોવાનો ઉલ્લેખ હતો પણ ત્યાર બાદના આદેશમા ંસાત માળ તોડવાની વાત કરાઈ હતી. આથી અરજીમાં આદેશ રદ કરવાની દાદ માગવામાં આવી હતી.
ઈમારતમાં ઉપરના સાત માળ ગેરકાયદે છે અને ઈમારતમાં ફાયર ક્લિયરન્સ કે ઓક્યુપેશન સર્ટિફિકેટ પણ નથી. કોર્ટને અમુક બાબતો જ જણાવીને ગેરમાર્ગે દોરવા બદલ કોર્ટે અરજી ફગાવીને રૃ. ૫૦ હજારનો દંડ લાદ્યો હતો જે પાલિકાને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ઈમારતને વધારાના ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ વાપરીને બનાવાયું હોવાથી નિયમાનુસાર કરી શકાય નહીં. અપવાદરૃપ કેસમાં નિયમાનુસાર કરી શકાય છે પણ આ લાભ ઈમારત કે પર્યાવરણના નિયમોનું છડેચોગ ઉલ્લંઘન કરનારાને આપી શકાય નહીં,એમ કોર્ટે જણાવ્યું હતું.