મનાઈ છતાં ધરાર હોર્ડિંગો લગાવતા રાજકીય પક્ષોને હાઈકોટ દ્વારા કન્ટેમ્પટ નોટિસ
રાજકીય પક્ષો હાઈકોર્ટને પણ વચન આપીને ફરી ગયા
હાઈકોર્ટ કાળઝાળઃ ૨૦૧૭ના ચુકાદા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર, આનાથી ખરાબ હાલત શું હોય ?
પાલિકા અને સરકારની ફરજ છે, હાઈકોર્ટે શા માટે આદેશો આપવા પડે ? તંત્ર પૂરતા પ્રયાસો કરતું નથી
પાલિકા હોર્ડિંગો દૂર કરવા પૈસા ખર્ચે છે, જ્યારે હોર્ડિંગો લગાડનારા સુખેથી લીલાલહેર કરે છે તેવી ટિપ્પણી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરોની વધી રહેલી સંખ્યાને બોમ્બે હાઈકોર્ટે દયનીય સ્થિતિ ગણાવી હતી.મુખ્ય ન્યા. ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચે તમામ રાજકીય પક્ષોને નોટિસ જારી કરીને તેમની સામે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ અવમાનની કાર્યવાહી કેમ કરવામાં ન આવે એનું કારણ જણાવવા નિર્દેશ આપ્યો છે.તમામ રાજકીય પક્ષોએ ગેરકાયદે હોર્ડિંગ લગાવાશે નહીં એવી ખાતરી કોર્ટમાં આપી હતી. છતાં વચન પર કોઈ ખરું ઉતર્યું નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
૨૦૧૭ના ચુકાદામાં કડક નિદેશ આપયા હોવા છતાં પરિસ્થિતિ બદલાઈ નથી આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? એમ કોર્ટે જણાવ્યું હતું.
સરકાર અને પાલિકાની ફરજ છે ત્યારે કોર્ટે શા માટે આદેશો આપવા પડે છે. કોર્ટે પાલિકાને ચેતવણી આપી હતી કે કોર્ટને વધુ ભીસમાં લેવાશે તો કડક પગલાં લેવાની ફરજ પડશે. પાલિકા કમિશનર સામે પણ અવમાનની નોટિસ જારી કરવાની ફરજ પડશે.
પાલિકા અને સરકારના પ્રયત્નો અપૂરતા ઠરી રહ્યા છે. ગેરકાયદે હોર્ડિંગ લગાવવા જ કેમ દેવાય છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો. પાલિકા હોર્ડિંગ દૂર કવા સ્ટાફ અને માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે જ્યારે હોર્ડિંગ લગાવનારા સુખેથી જીવે છે. ચૂંટણી બાદ ૨૨ હજાર ગેરકાયદે હોર્ડિંગ ઉતારાયા હોવાનું એડવોકેટ જનરલ સરાફે કોર્ટને જણાવ્યું હતું.
સરકાર તમામ પાલિકાઓને કોર્ટનો આદેશ પાળવા ફરજ પાડવાની સત્તા ધરાવે છે, એમ જણાવીને કોર્ટે ૨૭ જાન્યુઆરી પર સુનાવણી રાખી છે.
ગઈકાલની સુનાવણીમાં વિધાનસભા ચૂંટણી બાદ હાઈકોર્ટના નાક નીચે ફોર્ટ વિસ્તાર સહિતના વિવિધ સ્થળોએ ગેરકાયદે હોર્ડિંગ અને બેનરોને લગાવવા દેવા બદલ બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાપાલિકા અને પોલીસ પ્રશાસનની ઝાટકણી કાઢી હતી.
સ્પષ્ટ આદેશ છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાયા નહોવાનું જણાવીને કોર્ટના આદેશ બહેરા કાને અથડાતા હોવાનું જણાવ્યું હતું. શહેરની વચ્ચોવચ ફોર્ટ વિસ્તારમાં સૌથી શ્રીમંત પાલિકા કોર્ટના આદેશ અનુસાર પગલાં કેમ લેતી નથી એ અમને સમજાતું નથી? પાલિકા આટલી બેધ્યાન કેમ રહી શકે છે તમને કંઈ ખટકતું નથી? કમિશનર શું કરે છે? એવા સવાલ પાલિકાના વકિલને કર્યા હતા.
૧૮ નવેમ્બરે કોર્ટે ઓથોરિટીઓને સાબદા રહીને ચૂંટણી બાદ કોઈ ગેરકાયદે બેનર કે હોર્ડિંગ લાગે નહીં તેની તકેદારી લેવા જણાવ્યું હતું.