મોડલ દિવ્યા પાહુજાને 7 વર્ષ બાદ હાઈ કોર્ટે જામીન આપ્યા
હરિયાણા પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટ કેસ
ભૂતપૂર્વ મોડેલે ગેન્ગસ્ટર સંદીપ ગઢોલીનું લોકેશન પોલીસને પહોંચાડયાનો આરોપ હતો
મુંબઈ : ગેન્ગસ્ટર સંદીપ ગઢોલીના ૨૦૧૬માં થયેલા કથિત બનાવટી એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી ભૂતપૂર્વ મોડેલ દિવ્યા પાહુુજાને સાત વર્ષે બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જામીન મંજૂર કર્યા છે.
હરિયાણા પોલીસ સાથે મળીને કાવતરું ઘડવાનો પાહુજા પર આરોપ હતો અને તેણે ગઢોલીનું ઠામઠેકાણું પોલીસને આપ્યું હતું જેથી તેનું મોત નીપજ્યું હતું. ઘટના વખતે પાહુજા ગઢોલી સાથે હતી.
ન્યા.પી.ડી. નાઈકે પાહુજાના સાત વર્ષ લાંબા જેલવાસને અને ધરપકડ સમયે માત્ર ૧૮ વર્ષની હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપ્યો હતો.
અરજદાર મહિલા છે અને સાત વર્ષથી જેલમાં છે અને ટૂંક સમયમાં કેસની સુનાવણી ચાલુ થાય તેમ લાગતું નથી. આથી અરજદારને શરતને આધિન જામીન આપી શકાય છે, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.ચચ
હાઈ કોર્ટ સમક્ષ પાહુજાની આ ત્રીજી જામીન અરજી હતી. પાહુજા વતી વકિલે દલી કરી હતી કે ધરપકડ સમયે તે માત્ર ૧૮ વર્ષની હતી અને કેસ હજી આગળ વધ્યો નથી. બંધારણ હેઠળ લાંબા સમયનો જેલવાસથી અરજદારના મૂળભૂત અધિકારનું હનન થાય છે. વધુમાં તેણે કેસ ઝડપથી ચલાવવા અરજી કરી હતી તે પણ માન્ય કરાઈ નહોતી. જો સુનાવણીના અંતે તેને મુક્ત કરાશે તો તેણે જેલવાસમાં વિતાવેલા વર્ષો સરકારી પક્ષ તેને પાછા નહીં આપી શકે, એમ તેના વકિલે દલીલમાં જણાવ્યું હતું.