ફર્લો નકારવા બદલ હાઈકોર્ટે નાશિકના જેલરને 25 હજારનો દંડ ફટકાર્યો
સત્તા ન હોવા છતાં અરજી આગળ મોકલવાને બદલે નકારી કાઢી
ફર્લો અને પેરોલની રજા વચ્ચે દોઢ વર્ષનો ગાળો ફરજિયાત હોવાના પરિપત્રકને ગેરવાજબી ગણાવાયું
મુંબઈ : સત્તા ન હોવા છતાં અને કાયદાથી વિરુદ્ધ જઈને કેદીની પેરોલની અરજી ફગાવવા બદલ બોમ્બે હાઈ કોર્ટે નાશિક જેલના જેલર પર રૃ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. કેદી શ્રીહરિ રાજલિંગમ ગુંતુકાના પેરોલની અરજી સપ્ટેમ્બરમાં જેલરે ફગાવી હતી. ફર્લો અને પેરોલની રજા વચ્ચે દોઢ વર્ષનો ગાળો ફરજિયાત રાખવાના સરકારી પરિપત્રક પર આધાર રાખ્યો હતો.
કોર્ટે ૧૨ નવેમ્બરના આદેશમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ પ્રિઝન રુલની જોગવાઈથી વિપરીત આવો કાયદો હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. કેદીને તાકીદની સ્થિતિમાં પેરોલની રજા આપવામાં આવે છે અને દોઢ વર્ષ રાહ જોવાનો કાયદો સદંતર ગેરવાજબી છે. નજીકના સગાંની ગંભીર બીમારી કે કુદરતી આફત જેમ કે ઘર પડી જવું, પૂર અવાવું આગ કે ભૂકંપ જેવી ઓચિંતી આફત ગમે ત્યારે આવી શકે છે એમ અમે ભૂતકાળમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે. કોર્ટના આદેશને જેલ ઓથોરિટી દ્વારા અવગણવામાં આવતો હોવાનું દુર્ભાગ્યપૂર્ણ છે. રજા પરથી પાછા ફર્યાને ૨૧ દિવસ જ થયા હોવાના કારણસર નાશિક જેલ સુપરિન્ટેન્ડન્ટે ગુંતુકાની પેરોલ અરજી ફગાવી હતી. કેદીના અધિકારનું હનન કરવાના નાસિક જેલરના અભિગમને અમને સખત રીતે વખોડીએ છીએ. કોર્ટે આપેલા આદેશને જેલરે અનાદર કર્યો હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે જેલરને ગુંતુંકાની પેરોલ અરજી પર ફેરવિચારક રવા અને સંબંધીત ઓથોરિટીને નિર્ણય લેવા મોકલાવવાનો નિર્દેશ આપ્યો છે. જોહુકમીથી કેદીના અધિકારને નકારવા અને કોર્ટના નિર્ણય પ્રત્યે અનાદર દર્શાવવા બદલ જેલર પર રૃ.૨૫ હજારનો દંડ ફટકારવામાં આવે છે. આ રકમ ચાર સપ્તાહમાં ચૂકવવાની રહેશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે આદેશ વિશે ગૃહ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરીનેે જાણ કરવાનો આદેશ આપ્યો છે જેથી કાયદા પ્રત્યેનો અનાદર કરવાની ભુલ ફરી થાય નહીં.
ગુંતુકા હાલ નાશિક જેલમાં બંધ છે અને તેણે પત્નીની સર્જરી માટે પેરોલ માગ્યા હતા. તેની અરજી આગળ મોકલવાને બદલે જેલ સુપરિન્ટેન્ડન્ટે ફગાવી દીધી હતી.