સીબીઆઈએ કસ્ટમના કામમાં માથું મારતાં હાઈકોર્ટે ખુલાસો પૂછ્યો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સીબીઆઈએ કસ્ટમના કામમાં માથું મારતાં હાઈકોર્ટે ખુલાસો  પૂછ્યો 1 - image


આયાતી ચીજો મુક્ત કરવાનો ઓર્ડર છતાં સીબીઆઈએ પત્ર લખી અટકાવ્યું

કયા કાયદા અને કઈ સત્તા હેઠળ હસ્તક્ષેપ કર્યો તનો જવાબ માગ્યોઃ  કસ્ટમ ની કામગીરીમાં સીબીઆઈ માથું મારશે તો વેપાર વાણિજ્ય પર માઠી અસર થશે તેવી હાઈકોર્ટની ટકોર

મુંબઈ :  સીબીઆઈએ કસ્ટમના કામમાં માથું મારતાં તે વિશે ખુલાસો કરવા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. કસ્ટમના ન્હાવા શેવા ખાતેનાં સેન્ટ્રલ ઈન્ટેલજન્સ યુનિટને સીબીઆઈએ એક પત્ર લખી કેટલીક આયાતી ચીજોનું વેલ્યુએશન માગ્યું હતું. વાસ્તવમાં આ ચીજો ચોક્કસ દંડ લઈને મુક્ત કરી દેવાનો આદેશ અગાઉ જ થઈ ચૂક્યો હતો. સીબીઆઈએ કયાં ન્યાયક્ષેત્રની રુએ આવો પત્ર લખ્યો છે હાઈકોર્ટે જાણવા માગ્યું છે. 

હાઈકોર્ટે જણાવ્યું હતું કે કસ્ટમ્સ વેલ્યુએશનના નિયમોને આધીને રહીને કસ્ટમ સત્તાવાળા જે કામ કરી રહ્યા છે તેની સામે સવાલો ઉઠાવવાની કાર્યવાહી  કઈસત્તા તથા ન્યાયક્ષેત્રને આધીન રહીને કરવામાં આવી છે તે સીબીઆઈ અધિકારીએ ઓન રેકોર્ડ જણાવવું જોઈએ. 

સંબંધિત ચીજો આયાત કરનારા આયાતકર્તાએ હાઈકોર્ટમાં સીબીઆઈની આવી કાર્યવાહીનાં ન્યાયક્ષેત્રને લગતો સવાલ ઉઠાવ્યો હતો. તે દરમિયાન જસ્ટિસ ગિરિશ કુલકર્ણી તથા જસ્ટીસ જિતેન્દ્ર જૈનની બેન્ચે સીબીઆઈનો આ પ્રમાણે ખુલાસો માગ્યો હતો. 

આયાતકર્તાએ કહ્યું હતું કે એક સેન્ટ્રલ એજન્સીની ભૂમિકા તથા કામગીરી સ્પષ્ટ છે તેમાં બીજી એજન્સી શા માટે દખલ દઈ રહી છે તે એક સવાલ છે. 

હાઈકોર્ટે કહ્યું હતું કે કસ્ટમ્સ એક્ટ નામના વિશેષ કાયદા હેઠળ દેશમાં આયાત તથા નિકાસનું નિયમન કરવામાં આવે છે. હવે જો સીબીઆઈ પણ તેમાં દખલ કરશે તો પછી વેપાર અને વાણિજ્ય પર તેની માઠી અસરો થશે. 

આયાતકર્તા વતી જણાવાયું હતું કે સીબીઆઈની સ્થાપના તથા તેની કામગીરી દિલ્હી સ્પેશ્યલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, ૧૯૪૬ને આધીન છે. સીબીઆઈએ  આ કાયદા અનુસાર તેના માટે નક્કી કરાયેલાં અધિકારક્ષેત્રની મર્યાદામાં રહીને જ કામગીરી કરવી જોઈએ. 

કસ્ટમ ડિપાર્ટમન્ટના એડિશનલ કમિશનરે સંબંધિત ચીજો રુપિયા ૨.૨ લાખનો દંડ લઈ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તે પછી પણ આ ચીજવસ્તુઓ મુક્ત નહીં કરાતાં આયાતકર્તાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ મુદ્દે કસ્ટમનો ખુલાસો પૂછતાં કસ્ટમે કહ્યું હતું કે સીબીઆઈના નિર્દેશથી આ ચીજો છોડવામાં આવી નથી. કસ્ટમ વતી થયેલી એફિડેવિટમાં મુંબઈ સીબીઆઈના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટનો એક પત્ર ટાંકવામાં આવ્યો હતો. 

હાઈકોર્ટે કહ્યું હતું કે આ પત્રમાં જણાવાયેલી બાબતો ચર્ચા ને પાત્ર છે તથા અરજદારે ઉઠાવેલા સવાલો જોતાં નવાઈજનક પણ છે. આ પત્રમાં જણાવાયું હતું કે કસ્ટમ તથા સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે સરપ્રાઈઝ ચેક કરવામાં આવ્યું હતું અને તેમાં આ ચીજોના વેલ્યુએશનમાં કેટલીક વિસંગતતા જણાઈ હતી. 

સીબીઆઈના ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે સીબીઆઈને આ આયાતી ચીજો કસ્ટમ દ્વારા મુક્ત કરવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી. 

કસ્ટમે પણ પોતાનો કોઈ વાંધો નહીં હોવાનું જણાવતાં હાઈકોર્ટે આ ચીજો મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

જોકે, આ તબક્કે આયાતકર્તાના વકીલ વતી સીબીઆઈના ન્યાયક્ષેત્રનો સવાલ ઉઠાવ્યો હતો.



Google NewsGoogle News