હાઈકોર્ટે પત્નીને કોમામાં રહેલા પતિની કાયદેસરની પાલક તરીકે નિયુક્ત કરી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
હાઈકોર્ટે પત્નીને કોમામાં રહેલા પતિની કાયદેસરની પાલક તરીકે નિયુક્ત કરી 1 - image


કાયદામાં જોગવાઈનો અભાવ હોવાથી અરજી સ્વીકારી

પતિની હાલત ભવિષ્યમાં સુધરે એમ ન હોવાના તબીબી અહેવાલની કોર્ટે નોંધ લીધીઃ સાસરિયાંએ પણ વાંધો ન લીધો

મુંબઈ :  પથારીવશ થયેલા પતિ માટે પત્નીને કાયદેસરની ગાર્ડિયન (પાલક) તરીકે  નિયુક્તિ આપતો આદેશ બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. કોર્ટે નિકીક્ષણ કર્યું હતું કે પતિની અવસ્થા છેલ્લા છ વર્ષથી બદલાઈ નથી અને ડોક્ટરોએ જણાવ્યા મુજબ નજીકના કાળમાં પણ બદલાય એવી શક્યતા નથી. મહિલાના સાસરિયાએ પણ તેને ગાર્ડિયન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો નથી.

પતિની સ્થાવર અને જંગમ મિલકતોનો વ્યવહાર સંભાળવાની પરવાનગી આપવામાં આવે અને તેમના કાનૂની પાલક તરીકે પોતાની નિયુક્તિ કરવામાં આવે એવી અરજી પત્નીએ હાઈ કોર્ટમાં કરી હતી.

પતિને ઘરમાં થયેલી આકસ્મિક  ઘટનામાં ૨૦૧૭માં મગજ પર ઈજા થઈ હતી.ઈજાને કારણે તેઓ પથારીવશ અને નિશ્ચલ અવસ્થામાં આવી ગયા હતા. તેમના સારવારના અને સ્કૂલે જતા  બાળકોમના ખર્ચ કાઢવા મુશ્કેલ બનતા હોવાથી પત્નીના વકિલે કોર્ટમાં અરજી કરી હતી કે કોમામા ંસરી પડેલી વ્યક્તિના પાલક  તરીકે નિયુક્તિ સંબંધી કાયદામાં જોગવાઈ નહોવાથી રાહત માટે અરજી કરવામાં આવી હતી.

અરજીમાં ૨૦૨૦ના હાઈ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો જેમાં નોંધ કરી હતી કે આ બાબતની કોઈ જોગવાઈ નહોવાથી રિટ અરજીને હાથ ધરી શકાય  છે. બીજી નવેમ્બરે કોર્ટ આ ચુકાદા પર આધાર રાખ્યો હતો. હાઈ કોર્ટે ઓક્ટોબરમાં પુણે સિવિલ સર્જનને નિષ્ણાતોની ત્રણ સભ્યની સમિતિ બનાવીને પતિની અવસ્થા તપાસીને તેમની સાજા થવાની શક્યતા વનિશે જાણકારી આપવા જણાવ્યું હતું. સમિતિએ જણાવ્યું હતું કે ભૂતકાળને ધ્યાનમાં રાખીને અને હાલની અવસ્થાને જોતાં નજીકના ભવિષ્યમાં સુધારો થવાની આશાય નહીંવત છે, એમ હાઈ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું.

આથી હાઈ કોર્ટે પત્નીને પતિની કાયદેસરની પાલક જાહેર કરી હતી, પણ સ્પષ્ટતા કરી હતી કે જો પતિના માતાપિતાને આદેશનો દુરુપયોગ થયાનું જણાશે તો તેમને આદેશને સુધારવા કે રદ કરવાની અરજી કરવાની છૂટ રહેશે.



Google NewsGoogle News