ફરિયાદી મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેેસ્ટ મોકલનારા પીએસઆઈ પર હાઈકોર્ટ નારાજ
નિવેદન રેકોર્ડ કરવાના નામે અડધી રાત્રે ફોન પણ કર્યાનો દાવો
ઘાટકોપરની મહિલા સાથે ગેરવર્તાવ માટે પીએસઆઈ સામે કયાં પગલાં લેશો તેની વિગતો સાથે હાજર થવા ડીસીપીને આદેશ
મુંબઈ - મહિલા ફરિયાદીને અડધી રાત્રે ફેસબુક ફ્રેન્ડ રિક્વેેસ્ટ મોકલાવનારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ)ના વર્તાવની ગંભીર નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવા બોમ્બે હાઈ કોર્ટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને નિર્દેશ આપ્યો છે.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. નીલા ગોખલેની બેન્ચે પીએસઆઈના કૃત્યને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તમે એક મહિલાને અને એ પણ તમે તપાસ કરી રહ્યા છો એ કેસની ફરિયાદી છે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ કઈ રીતે મોકલી શકો છો? એવો સવાલ કોર્ટે કર્યો હતો.
પીએસઆઈએ ફ્રેન્ડ રિક્વેસ્ટ ભુલમાં મોકલાવાઈ હોવાનું જણાવ્યું હતું જોકે કોર્ટે આવું વર્તન અસ્વીકાર્ય હોવાનું ગણાવ્યું હતું. પોલીસ અધિકારીનું કામ નથી કે ફરિયાદીને આ રીતે રિક્વેસ્ટ મોકલાવે અમે સહન કરીશું નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.
સરકારી વકિલે કોર્ટને જણાવ્યુંંં હતુંં કે પીએસઆઈનવી ભરતી થયેલા છે ે અને આ તેમની પહેલી પોસ્ટિંગ હતી જોકે કોર્ટે તેના ભવિષ્યના વર્તાવને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીઓને સોશ્યલ મીડિયા વાપરવાની પરવાનગી છે? એવો સવાલ કોર્ટે કરતાં સરકારી વકીલે નકારમાં જવાબ આપ્યો હતો.
કોર્ટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને આગામી સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહીને પીએસઆઈ સામે કયાં કયાં પગલાં લઈ શકાય તેમ છે તેની વિગતો જણાવવા કહ્યું છે. સમતાનગર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં તપાસની માગણી સાથે મહિલાએ કરેલી અરજીની કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી.
ઘાટકોપરમાં રહેતી અરજદાર મહિલા પોતે અને પોતાના સ્કીઝોફ્રેેનિક પતિ સાથે રહે છે. તેમની પુત્રી કાંદિવલીમાં ભાડે રહે છે. જોકે, તબીબી કારણોસર પુત્રી કામચલાઉ સમયગાળા માટે તેમની સાથે રહેવા આવી હતી. ઓગસ્ટ ૨૦૨૪માં પુત્રીના કાંદિવલીના ભાડાના નિવાસસ્થાને તેના વિભક્ત પતિના કહેવાથી તેની પાસેથી પૈસા અને દાગીના મળીને રૃ. ૧૫ લાખની મતા પડાવી લેવાઈ હતી. વારંવાર ફરિયાદ કરવા છતાં પોલીસે નિવેદન કે એફઆઈઆર નોંધ કર્યા નહોતા આથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરવી પડી હતી.
સોમવારે અરજદારના વકિલ વિજય કંથારીયા અને શુભદા સાળવીએ કોર્ટને જણાવ્યું હતું કે પીએસઆઈ ફરિયાદીને નિવેદન નોંધવાના બહાને મોડી રાતના ફોન કરતો હતો. આ સાંભળીને કોર્ટે ૧૪ જાન્યુઆરીએ વધુ સુનાવણી રાખી છે.