સાલેમની અરજી અટકાવી રખાતાં કેન્દ્ર, રાજ્ય સરકાર પર હાઈકોર્ટ નારાજ
21 દિવસ અપાવા છતાં સોગંદનામું દાખલ નહીં થયાની નોંધ
થોડી ઝડપ કરો, અમે તમને બહુ સમય નહિ આપીએ, ૧૬મી પહેલાં કેન્દ્ર , રાજ્ય બંનેને જવાબ આપવા આદેશ
મુંબઈ – ૧૯૯૩ ના બોમ્બ ધડાકા કેસમાં પચ્ચીસ વર્ષનો જેલવાસ વિતાવ્યા બાદ સજા માફી અને મુદ્દત પૂર્વે મુક્તિ માટે ગેન્ગસ્ટર અબુુ સાલેમે કરેલી અરજીને અટકાવી રાખવા બદલ બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
ન્યા. સારંગ કોટવાલ અને ન્યા. મોડકની બેન્ચે મૌખિક રીતે જણાવ્યું હતું કે અમે તમને બહુ ઓછો સમય આપીશું સપ્તાહો નહીં આપીએ. અમે ૧૬ એપ્રિલ પર સુનાવણી રાખીએ છીએ પણ કેન્દ્ર અને રાજ્ય બંનેએ એ પહેલાં જવાબ નોંધાવવાના રહેશે. થોડી તાકીદ બતાવો અને આગામી તારીખે દલીલ રજૂ કરો.
સાલેમે સ્પેશ્યલ ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ (ટાડા) કોર્ટ દ્વારા અપાયેલા આદેશને પડકાર્યો હતો. ટાડા કોર્ટે ૧૦ ડિસેમ્બર ૨૦૦૨૪ના રોજ મુદતપૂર્વે મુક્તિની અરજી ફગાવી હતી.
અતિરિક્ત સરકારી વકિલે કોર્ટને જાણ કરી હતી કે રાજ્ય સરકારે હજી સોગંદનામું દાખલ કર્યું નથી. આથી કોર્ટે જણાવ્યું હતું કે અરજી અત્યંત તાકીદના મુદ્દે થઈ છે પણ તમે કોઈ તત્પરતા દર્શાવી નથી રહ્યા. અમે ૨૧ દિવસ આપ્યા પણ હજી સોગંદનામું દાખલ નથી થયું.
કોર્ટે કેન્દ્ર સરકારના વલણ પર પણ નારાજગી દર્શાવી હતી કેમ કે એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અનિલ સિંહ સુનાવણી માટે આવ્યા નહીં અને સોગંદનામું પણ દાખલ કરાયું નથી.
સાલેમે અરજીમાં દલીલ કરી હતી કે પોર્ટુગલ અને ભારત વચ્ચે થયેલી પ્રત્યાર્પણ કરારને આધારે પોતે જેલવાસ પૂરો કર્યો છે. કરાર અનુસાર પચ્ચીસ વર્ષથી વધુ સમય જેલવાસ થઈ શકેે નહીં.
કોર્ટે ૧૦ માર્ચે સુનાવણી કરીને કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની સાલેમને પરવાનગી આપી હતી અને કેન્દ્રને નોટિસ મોકલાવી હતી. કોર્ટે રાજ્ય સરકારને પણ જવાબ નોંધાવવા સમય આપ્યો હતો.
નવેમ્બર ૨૦૦૫માં તેને પ્રત્યાર્પિત કરાયો હતો. ૧૧ નવેમ્બર ૨૦૦૫માં સાલેમની વિધિવત ધરપકડ કરાઈ હતી અને ૧૯૯૩માં તેને ૨૦૧૭માં વિશેષ ટાડા કોર્ટે જન્મટીપની સજા આપી હતી.
સાલેમે દલીલ કરી હતી કે ૨૦૦૫થી ૨૦૧૭ સુધી ૧૧ વર્ષ, નવ મહિના અને ૨૬ દિવસ અંડર ટ્રાયલ તરીકે વિતાવ્યા હતા અને ૨૦૧૫થી ૨૦૨૪ સુધી નવ વર્ષ, ૧૦ મહિના અને ચાર દિવસ ટાડા કેસમાં કસૂરવાર તરીકે વિતાવ્યા હતા. વધુમાં ત્રણ વર્ષ અને ૧૬ દિવસ સારા વર્તાવ માટે માફ કરાયા છે અને એક મહિને તેણે પોર્ટુગલની જેલમાં વિતાવ્યો છે. આમ કુલ પચ્ચીસ વર્ષની જેલ પુરી થઈ છે.