નાગપુરમાં મુશળધાર વરસાદ અને પૂરને લીધે હાહાકાર

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
નાગપુરમાં મુશળધાર વરસાદ અને પૂરને લીધે હાહાકાર 1 - image


બચાવ કાર્ય માટે લશ્કર બોલાવાયું

પૂરના પ્રવાહમાં 3 જણ તણાયા : મૂક-બધીર શાળાના વિદ્યાર્થીઓ સહિત 400 જણને બચાવાયા : સ્કૂલ-કોલેજોમાં રજા : નાગ નદીમાં પૂર

મુંબઇ :  મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરને છેલ્લાં ચોવીસ કલાકથી ધમરોળતા ગાંડાતૂર વરસાદને પગલે નદીઓમાં પૂર આવવાથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર બની ગયા છે. પૂરના  પ્રવાહમાં લગભગ ત્રણ જણ તણાઇ ગયા છે અને ૪૦૦ થી વધુ લોકોને હેમખેમ ઉગારી લેવામાં સફળતા મળી છે.

નાગપુરની પૂર પરિસ્થિતિ જોખમી બનતા તરત જ લશ્કરના જવાનોની મદદ લેવામાં આવી હતી અને રસ્તા પર વાહનોને  બદલે લશ્કરની અને એનડીઆરએફની હોડીઓ બચાવ માટે તરતી જોવા મલી હતી. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઇ  તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. 

નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઢોરના તબેલાઓ પાણીમાં ડૂબી જવાથી કેટલાય ડોર માર્યા ગયા હતા. 

નાગપુર શહેરમાં ગત મધરાત બાદ સવારે ૫.૩૦ વાગ્યા સુધી વરસેલા ચાર કલાકમાં ૧૦૬ મિ.મિ. વરસાદ વરસ્યો હોવાને લીધે નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં, સોસાયટીઓમા પાણી ફરી વળ્યા હતા.

આ સિવાય લગગ ૧૪થી વધુ પશુઓ પણ તણાઇ ગયા હતા.

જિલ્લા કલેકટર ડૉ. વિવિત ઇટનકરના જણાવ્યા મુજબ રાત્રે ૧૦૦થી વધુ મિ.મિ. અવિરત વરસાદને કારણે અંબાઝરી તળાવ પણ ઓવર ફલો થઇ ગયું હતું. જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં  કેડની ઉપર પાણી ભરાયા હતા. કેટલાક ઠેકાણે ખભા સુધી પાણી ભરાતા ભારતીય સેજાના જવાનો લોકોને બચાવવા અને અટવાઇ ગયેલાને બહાર કાઢવા  બોટની સહાયતા લીધી હતી. તેઓને સલામત સ્થળે ખેસેડયા હતા. વાહન વ્યવહાર પર અસર થઇ હતી. મોરભવન ખાતેનો સિટી બસ ડેપો પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે બસ સેવાને અસર થઇ હતી.

ધોધમાર વરસાદને પગલે નાગપુરમાં અંબાઝારી તળાવ ઓવરફલો થતાં ત્યાં નજીકના વિસ્તાર પૂરગ્રસ્ત બની ગયા હતા. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને  ઇમરજન્સી સર્વિસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક હોસ્પિટલ પાસેની રિટેઇનિંગવોલ તૂટી જતા શંકરનગર, કોર્પોરેશન કોલોની, ડાઘા લેઆઉટમાં સવારે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યાંના રહેવાસીઓ જીવ બચાવવા માટે તેમની ઇમારતોના ટેરેસ પર દોડી ગયા હતા. અહીં નાગપુર શહેરમાં ચાર કલાકમાં ૧૦૦ મિ.મિ. વરસાદ વરસ્યો હતો.

પીલી નદી ઓવરફલો થઇ જતા ઉત્તર નાગપુરમાં પણ અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદના કારણે ત્યાં આવેલા ગોરેવાડા તળાવના બે  દરવાજા  ખુલ્લા કરવાથી તળાવમાંથી પાણી બહાર વહેવા લાગ્યું હતું. જેના કારણે પીલી નદીમાં  પાણીનું સ્તર વધી ગયું હોવાનું નાગપુર મહાનગર પાલિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

નાગપુર શહેરમાં ગઇકાલ રાતથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જરૃરી કામ સિવાય કોઇએ ઘરની બહાર ન નીકળવું એવી નાગરિકોને ચેતવણી શુદ્ધા આપવામાં  આવી હતી.

નાગપુર મહાનગર પાલિકાની ફાયર અને ઇમરજન્સી સેવા ટીમો સતત રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. આ માટે તેઓએ ઇમરજન્સી ટેલિપોન નંબર શુદ્ધા જાહેર કર્યા હતા.

મૂંગા-બહેરાની શાળાના વિદ્યાર્થી અને કોલેજ વિદ્યાર્થી ઉગાર્યા 

બચાવ કાર્યમાં એન. ડી. આર. એફ.ના બે એકમો જે સાત જૂથોમાં વહેંચાયેલા હતા તેઓએ મૂગા અને બહેરા વિકલાંગની એક શાળાના ૪૦ વિદ્યાર્થીઓ સહિત શહેરમા ૪૦૦ લોકોને ઉગારી લીધા હતા.

મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને ફડણવીસે નાગપુર કલેકટર સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ભારતીય હવામાન વિભાગના નાગપુર કેન્દ્રએ જણાવ્યું હતું કે નાગપુર, ભંડારા અને ગોદિયા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વીજળીઓ સાથે તીવ્ર અને મધ્યમ વાવાઝોડું ચાલું રહેશે. આ વિસ્તારોમાં અલગ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા હોવાનું જણાવ્યું હતું.

વર્ધા અને ચંદ્રપુર, ભંડારા અને જિલ્લાના કેટલાક ભાગોમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમરાવતી, યવતમાળ અને ગઢ ચિરોલીમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદ થવાની સંભાવના છે. એમ તેમમે ઉમેર્યું હતું.

નાગપુરાં મહાપૂરનું કારણ શું ?

નાગ નદીના પરિસરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. આ નદીનું ઉગમ નાગપૂર નજીક લાવ્હા પરિસરમાં છે. લાવ્હા પરિસર અને ત્યાં ભોવતીચી વાડી પરિસર છે. ત્યાં લગભગ ૨૨૯ મિ.મિ. વરસાદ વરસ્યો હતો. આથી નાગ નદીના પૂર જેવી પરિસ્થિતિ સંર્જાઇ અને અંબાદરી પરિસરમાં  છાતી સમા પાણી ભરાયા હતા.

નાગપુરમાં ક્યા કેટલો વરસાદ

નાગપુર હાવાઇમથક પરિસરમાં ૧૧૧ મિ.મિ, સતીબર્ડી પરિસરમાં ૧૧૧ મિ.મિ, પાર્ડી ભાગમાં ૧૦૩ મિ.મિ, વાડી પરિસરમાં સૌથીવધુ ૨૨૯ મિ.મિ. વરસાદની નોંધ હવામાન વિભાગે કરી હતી.

નાગપુરના સીતાબર્ડી વિસ્તારમાં શુક્રવાર રાતથી વરસેલા મૂશળધાર વરસાદ નાગપુરમાં શનિવારે સવારે થોડીક વિશ્રાંતી લીધી હતી. પણ થોડાક સમયના અંતરે ફરી વરસાદ  વરસતા ત્યાં સીતીબર્ડી વિસ્તારમાં આવેલી ઘંતોલી માર્કેટની દુકાનો અનેક ઇલેકટ્રોનિક સાહિત્યોની દુકાનો, હોટેલોમાં પાણી ભરાયા હતા. મોડી સાંજ સુધી નાગપુર પાલિકા વરસાદી પાણીનો નિકાલ કરી શકી નહતી.



Google NewsGoogle News