Get The App

મુંબઈ જળમગ્ન, ઘણા રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, વાહનવ્યવહાર ઠપ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
મુંબઈ જળમગ્ન, ઘણા રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, વાહનવ્યવહાર ઠપ 1 - image


Mumbai Rain: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેન સેવા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

અંધેરી સબવે પાણીમાં ગરકાવ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશળધાર વરસાદને કારણે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહનોની અવરજવર માટે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે.

આ પણ વાંચો : મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્યાં બાદ પહાડો પરથી પથ્થર વરસ્યાં, નદીઓ બની ગાંડીતૂર

વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ

ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. તેમજ વાહનો પણ અટવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈ MAFCO માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. 

મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું


મુંબઈમાં પણ મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યાના કારણે અનેક જગ્યાએ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરાતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં ડેમમાં પાણીનો સંગ્રહ 66.77 ટકા થઈ ગયો છે. તુલસી, વિહાર બાદ તાનસામાં પણ પાણીના સંગ્રહમાં વધારો થયો છે. મોડકસાગર તળાવ પણ ઓવરફ્લો થવાના આરે છે.

આ પણ વાંચો : મધ્ય ગુજરાતમાં વરસાદી મુસીબત: બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા 

BMCએ  હાઈટાઈડનું એલર્ટ જાહેર કર્યું 

BMCએ મુંબઈમાં આજે (25 જુલાઈ) બપોરે 3 વાગ્યે હાઈટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠે 4થી 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની સંભવાના છે. જેના પગલે લોકોને દરિયાકાંઠે નહીં જવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત પૂણેની સ્થિતિ પણ ખરાબ છે, ત્યાં ઘણા વિસ્તારમાં 100 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.

મુંબઈ જળમગ્ન, ઘણા રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, વાહનવ્યવહાર ઠપ 2 - image


Google NewsGoogle News