Get The App

મુંબઈમાં મેઘતાંડવ : ભારે વરસાદથી મહાનગર બેહાલ, શાળા-કોલેજોમાં રજા, IMDનું રેડ એલર્ટ જાહેર

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
waterlogged road during rain Nalasopara in Palghar Mumbai
Image : IANS (File pic)

Mumbai Rain: મુંબઈમાં રવિવાર (7 જુલાઈ)ની મધરાતથી શરુ થયેલા ભારે વરસાદે જોતજોતામાં રૌદ્ર સ્વરુપ ધારણ કરતાં સોમવારની પરોઢ સુધીમાં શહેરમાં 13 ઈંચ વરસાદ ખાબકયો હતો. તેના કારણે સમગ્ર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું. સીએસએમટીથી થાણે વચ્ચેની સેન્ટ્રલ મેઈન લાઈન તથા વાશી, બેલાપુર તરફની  હાર્બર લાઈનના અનેક સ્ટેશનોએ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતાં સવારથી જ લોકલ ટ્રેનો બધ થઈ ગઈ હતી. મહાનગરમાં આજે પણ રેડ એલર્ટ જાહેર થતા શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.

મુંબઈમાં આ વખતે 11 જૂનને બદલે નવમી જૂને એટલે કે બે દિવસ વહેલો વરસાદ શરુ થયો હતો. પરંતુ, તે પછી મેઘરાજા જાણે બહુ મૂડમાં ન હોય તેમ છૂટાંછવાયાં હળવાથી ભારે ઝાપટાંઓનો દોર જ ચાલતો હતો. પરંતુ, રવિવારની રાત બાદ મેઘરાજાએ  તમામ કસર પૂરી કરી નાખી હતી અને પૂરજોશથી વરસાદ  તૂટી  પડયો હતો. રાતના દોઢ વાગ્યા પછી શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો. જોતજોતામાં વરસાદે આક્રમક સ્વરુપ ધારણ કર્યું હતુ ંઅને વીજળીના ચમકારા સાથે સવારના છ વાગ્યા સુધી સતત ભારે વરસાદ ખાબક્યો હતો. શહેરના પવઈ અને ગોવંડી  વિસ્તારમાં ૧૩ ઈંચથી પણ વધારે પાણી પડયું હતું. આ ઉપરાંત અંધેરી, મલાડ, કુર્લા, ઘાટકોપર, વડાલા, ચેમ્બુર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ સહિતના પરાંઓમાં સર્વત્ર નવથી ૧૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, સાઉથ મુંબઈમાં  વરસાદનું જોર થોડું ઓછું હતું. સવારના આઠ વાગ્યા પછી વરસાદનું જોર ઘટયું હતું. 

પરંતુ, ચાર કલાકના ગાળામાં જ તેર ઈંચ વરસાદ પડી જતાં શહેરભરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુું હતું. સૌથી માઠી અસર મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનો પર પડી હતી. વેસ્ટર્ન રેલવેની ટ્રેનો સમયસર ચાલી હતી પરંતુ સેન્ટ્રલ રેલવેમાં સીએસએમટીથી થાણે વચ્ચેના ભાંડુપ અને સાયન તથા માટુંગા સહિતના સ્ટેશનો પર તથા હાર્બરમાં  ચુનાભઠ્ઠી સહિતનાં સ્ટેશનો આસપાસ ટ્રેક પર પાણી ફરી વળ્યાં હતાં. એક તબક્કે થાણેથી સીએસએમટી સુધીનો ટ્રેન  વ્યવહાર સાવ બંધ થઈ ગયો હતો. બાદમાં ફાસ્ટ લાઈન બંધ રાખી સ્લો લાઈન પર ટ્રેનો ટ્રેક પર ભરાયેલાં પાણી વચ્ચે સાવ નજીવી સ્પીડે દોડાવવાની શરુઆત કરાઈ હતી. બપોર સુધીમાં  ટ્રેન વ્યવહાર સામાન્ય બન્યો હતો. સાથે સાથે સીએસએમટી, કુર્લા, દાદર અને એલટીટી  સહિતના  સ્ટેશનોએ આવતીજતી લાંબા અંતરની સંખ્યાબંધ ટ્રેનો નાસિક, પુણે, ભુસાવળ, ઈગતપુરી, કલ્યાણ, પનવેલ એમ વિવિધ સ્ટેશને અટકાવી દઈ ત્યાંથી પાછી વાળવાની ફરજ પડી હતી અને મુંબઈથી ઉપડતી સંખ્યાબંધ ટ્રેનો પણ રિશેડયુલ કરાતાં લાંબા અંતરની ટ્રેનો પણ બંધ થઈ ગઈ હતી. 

વહેલી સવારે ટ્રેનોની સ્થિતિ વિશે જાણ્યા વિના સ્ટેશનો પર પહોંચી ગયેલા લાખો મુંબઈગરા પ્લેટફોર્મ પર જમા થતાં ભારે ભીડના દૃશ્યો સર્જાયાં હતાં. કેટલાંય સ્થળોએ લોકો એ ટ્રેક પર જ ચાલવા માંડયું હતું. 

ભારે વરસાદની અસર બેસ્ટની સેવાઓ પર પણ પડી હતી. માર્ગો બંધ થતાં ૪૦ જેટલી બસોના રુટ ડાઈવર્ટ કરાયા હતા અથવા તો બંધ કરાયા હતા. બીજી તરફ મલાડ અને અંધેરીના સબ વે સહિત દાદર, સાયન, કુર્લા એલબીએસ રોડ,  મુલુંડ, વડાલા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પૂરના પાણી ઘૂઘવતાં હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જુહુ અને અંધેરી સહિતના પશ્ચિમી પરાંના માર્ગો પણ જળબંબાકાર બનતાં અનેક સ્થળે વાહનચાલકો અટવાયા હતા. 

મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતાં  બંને રન વે બંધ કરવા પડયા હતા. તેના કારણે ૫૦થી વધુ ફલાઈટ રદ થઈ હતી અને ૨૭ ફલાઈટ અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવી હતી. 

વહેલી સવારથી જ જળબંબાકારની સ્થિતિને કારણે બીએમસીની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. બાદમાં વહીવટીતંત્રએ તમામ ખાનગી સ્કૂલો અને કોલેજો પણ દિવસભર બંધ રાખવાના આદેશો જારી કર્યા હતા. મુંબઈ યુનિવર્સિટીની કેટલીક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી. 

વરસાદની અસર વિધાનસભામાં ચાલી રહેલાં ચોમાસુ સત્રમાં પણ જોવા મળી હતી. બહારગામથી આવેલા કેટલાય ધારાસભ્યો ટ્રેનો બંધ થતાં અટવાઈ ગયા હતા. કેટલાક મંત્રીઓએ મુંબઈમાં અડધે સુધી પહોંચી ટ્રેક પર ચાલવું પડયું હોય તેવા કિસ્સા નોંધાયા હતા. આખરે વિધાનસભા અને વિધાન પરિષદ એમ બંને ગૃહો મુલત્વી રાખવાં  પડયાં હતાં. કર્મચારીઓ ફસાઈ ન જાય એ માટે બપોરના ત્રણ વાગ્યે જ મત્રાલયમાં રજા જાહેર કરી તમામ સરકારી કચેરીઓ બંધ કરી દેવામાં આવી હતી. 

આજે બપોરે હાઈટાઈડ પણ હોવાથી અને ચાર મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાના હોવાથી ભારે વરસાદ અને હાઈટાઈડની  સ્થિતિમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગીરગામ ચોપાટી  લોકો માટે બંધ કરી દેવામાં આવી હતી. તમામ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મરીન ડ્રાઈવ પર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા તથા પોલીસ કાફોલ ઉતારીને લોકોને દરિયા કિનારાથી દૂર જતા રહેવાની ચેતવણી અપાઈ હતી. 


Google NewsGoogle News