મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પાલઘરમાં પુલ ગરકાવ, લોકલ ટ્રેન સેવા પર અસર
Image : IANS |
Mumbai Rain: મુંબઈમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડુ થતા મુંબઈવાસીઓને રાહત મળી છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મુંબઈ અને કેટલાક આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલઘરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે દેહર્જે નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. આ કારણે પાલઘર અને મનોર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. આ ઉપરાંત બોરીવલી, દહિસર, બાંદ્રામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. તેમજ બોરીવલી, મલાડ, કાંદિવલી, ગોરેગાંવ વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદને પગલે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા.
લોકલ ટ્રેનોને પણ અસર થઈ
મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ટ્રેક પર પાણી જમા થવાને કારણે બોઈસર-ઉમરોલી સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનો 20-30 મિનિટ મોડી દોડી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે 'વિરાર-દહાણુ સેક્શન પર ટ્રેનો 20-25 મિનિટ મોડી દોડી રહી છે. તેમજ મધ્ય રેલવેની લોકલ ટ્રેનો 10 મિનિટ મોડી ચાલી રહી છે.'
હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ આપ્યું
હવામાન વિભાગે (IMD) વરસાદને લઈને એલર્ટ આપ્યું છે. અને આગામી બે દિવસ ભારે વરસાદની તેમજ 22થી 25 જૂન સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બોરીવલીમાં 171 મિ.મી.. દહીસરમાં 134 મિ.મી., કાંદિવલીમાં 121 મિ.મી., મલાડમાં 106 મિ.મી. અને મીરારોડમાં 99 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે પાલઘરમાં 130 મિ.મી., બોઈસરમાં 105 મિ.મી. વરસાદ નોંધાયો હતો.