ગરમીમાં લીંબુના ભાવમાં ગરમાવોઃ 1 નંગના 5થી 8 રુપિયા
આવતા 2 મહિના સુધી ભાવમાં તેજી રહેશે
નવી મુંબઇ એપીએમસીમાં એક દિવસમાં 77 ટન લીંબુની આવક
મુંબઇ : ઉનાળાની ગરમી વધવા માંડતા લીંબુના ભાવમાં પણ ગરમાવો આવવા માંડયો છે. લીંબુની માગણી ખૂબ જ વધવા માંડતા એક નંગ પાંચથી આઠ રૃપિયાની કિંમતે વેંચાય છે.
હજી થોડા દિવસો પહેલાં પાંચ રૃપિયાના ત્રણ કે ચાર લીંબુ મળતા હતા, પણ હવે ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. નવી મુંબઇની એપીએમસી જથ્થાબંધ બજારમાં થોડા દિવસ પહેલાં લીંબુનો ભાવ ૨૫ થી ૪૦ રૃપિયે કિલો હતો જે અત્યારે ૪૦ થી ૬૦ રૃપિયા થઇ ગયો છે. આગામી બે મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થવાની કોઇ શક્યતા નથી, બલ્કે વધારો થઇ શકે છે એમ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.
નવી મુંબઇની ભાજીપાલા માર્કેટમાં આંધ્ર પ્રદેશની લીંબુની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. મંગળવારે એક જ દિવસમાં આંધ્ર પ્રદેશથી ૭૭ ટન લીંબુ આવ્યા હતા. મહારાષ્ટ્રના અહમદનગરથી પણ લીંબુની આવક થાય છે.