સાઉથ મુંબઈમાં 19 મિનીટમાં 22 કિમી કાપી હાર્ટ-લીવર પહોચાડયાં
મુંબઈ ટ્રાફિક પોલીસે રચ્યો ગ્રીન કોરિડોર
એરપોર્ટથી તળમુંબઈની હૉસ્પિટલમાં સાંજે સાત વાગ્યાના ટ્રાફિકમાં પણ અંગો સમયસર પહોંચ્યા
મુંબઈ : મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે ૨૨ કિમી લાંબો ગ્રીન કોરિડોર રચી એક હૃદય અને લિવર એરપોર્ટથી દક્ષિણ મુંબઈની હૉસ્પિટલમાં ૧૯ મિનીટમાં સ્થળાંતર કર્યા હતા.
રસ્તા પર વાહનવ્યવહારની ભીડ હોય તેવા સમયે સાંજે સાત વાગ્યાની આસપાસ પુણેથી આ અવયવ શહેરમાં દાખલ થયા હતા. વાકોલા ટ્રાન્સપોર્ટ વિભાગના વરિષ્ઠ નિરીક્ષક સંદિપ યેલેએ જણાવ્યું હતું કે, શરીરના અવયવ કાલિના એરપોર્ટ ગેટ નં.૮થી હંસ ભુગરા માર્ગે બે મિનીટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લઈ જવાયા હતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસે અવયવોના ટ્રાન્સપોર્ટેશન માટે ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો.
મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું છચે કે, 'કોઈને નવું જીવન આપવા માટે અમને માત્ર ૧૯ મિનીટ લાગી છે. કાલિના એરપોર્ટ ગેટ નં.૮થી ગિરગાંવની રિલાયન્સ હૉસ્પિટલ સુધી અવયવ (હૃદય અને યકૃત) લઈ જવા માટે ૨૨ કિમીનો ગ્રીન કોરિડોર તૈયાર કરી અમારા ઓન-ડયુટી અધિકારીઓએ મહત્ત્વના અંગો સમયસય પહોંચાડયા છે, તેની અમને ખાતરી થઈ છે.'