7 દિવસથી ઉપવાસ કરી રહેલા ઓબીસી નેતાઓની તબિયત બગડી
મરાઠા સમાજને અનામત સામે વિરોધ
ઓબીસી અનામત માં કોઈ ઘટાડો ન થવો જોઈએ તેવી આંદોલનકારીઓની માગણી
મુંબઇ : મરાઠા સમાજ માટે અનામતની માગણીથી ઓબીસીની અનામતમાં કોઇ ઘટાડો થશે નહીં તેવી ખાતરીની માગણી સાથે ઉપવાસ કરી રહેલા બે આંદોલનકારીની તબિયત બગડી છે. લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેના ઉપવાસ આંદોલનના સાતમા દિવસે તેમની તબિયત નબળી પડી છે તેવું ડોક્ટરોનું કહેવું છે.
તેમના અન્ય સાથીઓની વિનંતી સ્વાકારીને બંને આંદોલનકારીએ પાણી પીધુ હતું પણ ઉપવાસ આંદોલન ચાલી રાખીશું તેવું કહ્યું હતું. જાલના જિલ્લાના વડીગ્રોદ્રી ગામમાં હાકે અને વાઘમારે ૧૩મી જૂનથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. બંનેનું બ્લડપ્રેસર વધ્યું છે અને બ્લડ સુગર લેવલ પણ ઘટયું છે તેવું સરકારી ડોક્ટર અનિલ વાઘમારેએ કહ્યું હતું. તેમની તબિયત વધુ નહી બગડે તે માટે બંનેને હોસ્પિટલમાં ભરતી કરવાની આવશ્યક્તા છે. તેવું ડોક્ટરોએ ભારપૂર્વક કહ્યું હતું.
કુણબીઓને મરાઠા સમાજના સભ્યોના સગેસોપરે (લોહીનો સંબંધ ધરાવતા સગાં)ના રૃપમાં માન્યતા આપી છે. તેવા મહારાષ્ટ્ર સરકારના જાહેરનામાના મુસદ્દા જ રદ કરવાની ઓબીસી આંદોલનકારીઓ માગણી કરી રહ્યા છે.
બુધવારે પત્રકારો સાથે વાત કરતા હાકેએ કહ્યું કે સરકારના કોઇ પ્રતિનિધિએ તેમની મુલાકાત લીધી નથી. તેમના ઉપવાસ આંદોલનને સરકારે ઉભુ કર્યું છે તેવા મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેના આક્ષેપોને ઠાકરેએ ફગાવી દીધો હતો. હાકેએ કહ્યું કે જો અમારા આંદોલનને સરકારનું સમર્થન હોત તો સરકારી અધિકારીઓ ચિંતા દર્શાવતે અને અમને મળવા આવતે. તેમણે કહ્યું કે જરાંગેને કાયદાની અને અનામત પદ્ધતિની સમજ નથી પડતી. અનામત પદ્ધતિની જટિલતાઓમાં જરાંગેને સમજ પડતી નથી તેવી તેમણે ટીકા કરી હતી.
અનામતના મુદ્દા પર જાહેરમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવા હાકેએ જરાંગેના પ્રતિનિધિઓને આમંત્રિત કર્યા હતા.
હાઈવે પર રસ્તા રોકો, સળગતાં ટાયરો ફેકાયાં
ઓબીસી કાર્યકરોએ જાલનાના અંબડ તાલુકામાં બંધનું એલાન આપ્યું છે. ધૂલે- સોલાપુર નેશનલ હાઇવે પર ઓબીસી કાર્યકરોએ થોડા સમય માટે 'રાસ્તા રોકો' આંદોલન કર્યું હતું. જાલના હાઇવે પર સળગતા ટાયરો ફેંકવામાં આવ્યા હતા તેવા અહેવાલ મળ્યા હતા.