વિધાનસભ્યોના ભડકાઉ ભાષણોની સમીક્ષાનો પોલીસને હાઈકોર્ટનો આદેશ
સમીક્ષા બાદ ગુનો નોંધી શકાય છે કે નહીં તે જણાવવા સૂચના
નિતેશ રાણે, ગીતા જૈન તથા ટી. રાજાએ આપેલાં ભાષણોની સમીક્ષા કરાશેઃ રામનવમીએ કાયદો વ્યવસ્થા જાળવવા નિર્દેશ
મુંબઇ : વિધાનસભ્યો નિતેશ રાણે, ગીતા જૈન અને ટી રાજાએ આપેલા કથિત ભડકાઉ ભાષણોનું રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્ટની સમીક્ષા કરવા બોમ્બે હાઇકોર્ટે મીરા ભાયંદરના અને મુંબઇના પોલીસ કમિશનરોને બોમ્બે હાઇકોર્ટે સોમવારે નિર્દેશ આપ્યા હતા.
ભડકાઉ ભાષણોની સમીક્ષા કર્યા પછી પોલીસ એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) કરશે કે નહીં તેની જાણ કરવા બોમ્બે હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા. પોલીસ વડાઓ સાથે વિધાનસભ્યોના ભાષણ સાંભળવા હાઇકોર્ટે પબ્લિક પ્રોસિક્યુટરને નિર્દેશ આપ્યા હતા.
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં મીરા રોડ, ગોવંડી, ઘાટકોપરમાં અને માલવણીમાની સભાઓમાં વિધાનસભ્યોએ કથિત રીતે ભડકાઉ ભાષણો આપ્યા હતા તેમની સામે પગલાં ભરવા મીરા રોડ અને મુંબઈના કેટલાક રહેવાસીઓએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરેના વડપણ હેઠળની ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો નાગરિકો પોલીસમાં ભરોસો ગુમાવી દેશે તેવું અવલોકન હાઇકોર્ટે કર્યું હતું. ૧૭મી એપ્રિલે રામનવમીના તહેવાર દરમિયાન કોમી વિખવાદ નહીં થાય અને કાયદા વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો નહીં થાય તેની તકેદારી રાખવા અને પ્રિવેન્ટિવ એક્શન લેવા હાઇકોર્ટે પોલીસને નિર્દેશ આપ્યા હતા.
પોલીસકમિશનરની ઓફિસના પ્રાંગણમાં રાણેએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું તે બાબતમાં પણ હાઇકોર્ટે ચિંતા દર્શાવી હતી. આવું બીજી વાર નહીં બને તેવી ખાત્રી પબ્લિક પ્રોસ્ક્યુટરે આપી હતી. પોલીસ કમિશનરની ઓફિસની બહાર મોટી ભીડ હતી અને કાયદોવ્યવસ્થાનો પ્રશ્ન ઉભો નહીં થાય તે માટે સભા પ્રાંગણમાં યોજાઇ હતી તેવું પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું.
મામલાની વધુ સુનાવણી ૧૫મી એપ્રિલે થશે.