પોર્શે હેઠળ બેને કચડનારા પુણેના તરુણની તત્કાળ મુક્તિનો હાઈકોર્ટનો આદેશ
જામીન બાદ ફરી કસ્ટડીનો જ્યુવેનાઈલ બોર્ડનો આદેશ ગેરકાયદે ઠેરવાયો
કોર્ટ કાયદાથી બંધાયેલી છે સગીર સામે પુખ્તની જેમ કામ લઈ શકાય નહીંઃ માતા,પિતા, દાદા જેલમાં હોઈ ફોઈની કસ્ટડીમાં રહેશે
તરુણ 18 વર્ષથી ઓછી વયનો છે અને તેની માનસિક સારવાર ચાલે છે તે ધ્યાને લેવાવું જોઈએ, ગુનો ગંભીર છે પરંતુ કોર્ટ કાયદાથી બંધાયેલી છે
મુંબઈ : બે આઈટી પ્રોફેશનલ્સનો જીવ લેનારા પુણે પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા સગીરને બોમ્બે હાઈ કોર્ટે મોટી રાહત આપી છે. જામીન બાદ પુણે પોલીસે ફરી તેને કસ્ટડીમાં લેવો ગેરકાયદે હોવાનું નોંધીને તેને તાત્કાલિક બાળ સુધારગૃહની કસ્ટડીમાંથી મુક્ત કરવાનો નિર્દેશ હાઈ કોર્ટે આપ્યો છે. સગીરની ફોઈ પૂજા જૈને કરેલી હેબિઅસ કોર્પસ અરજીને કોર્ટે સ્વીકારી હતી. સગીરની ફોઈને તેનો કબજો સોંપવાનો નિર્દેશ કોર્ટે આપ્યો છે. ન્યા. ભારતી ડાંગરે અને ન્યા. મંજૂશા દેશપાંડેની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
કેસમાં સંડોવાયેલો સગીર ૧૮ વર્ષથી ઓછી વયનો છે અને તેની વય ધ્યાનમાં લેવી જોઈએ. કોર્ટે કાયદાથી બંધાયેલી છે અને ગુનાની ગંભીરતા છતાં જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટનો હેતુ જાળવવા તેની સાથે પુખ્ત કરતાં અલગ રીતે વર્તવું જોઈએ. આરોપી પહેલેથી પુનર્વસન હેઠળ છે અને મનોચિકિત્સકની સારવાર હેઠળ છે અને તે ચાલુ રહેશે.
જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડે ૨૨ મે, પાંચ જૂન અને ૧૨ જૂને આપેલા આદેશને પગલે સગીરને તાબામાં લેવાયો હતો જે ગેરકાયદે છે અને આદેશ રદ કરવામાં આવે છે. આથી સગીરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેનો કબજો તેની ફોઈને આપવામાં આવે. આદેશમાં પોલીસ વિશે કંઈ ટિપ્પણી કરાઈ નથી
ગયા મહિને સગીરની ફઈએ અરજી કરીને જણાવ્યું હતું કે જામીન મળ્યા પછી પણ તેને કસ્ટડીમાં ગેરકાયદે અટકાયતમાં રાખ્યો હોવાનો દાવો કરીને તાત્કાલિક મુક્ત કરવાની દાદ માગી હતી.કોર્ટે અગાઉની સુનાવણીમાં નોંધ કરી હતી કે અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હોવામાં કોઈ બેમત નથી. બે જણે જીવ ગુમાવ્યાછે અને આઘાતજનક ઘટના છે પણ સગીર પણ આઘાતમાં હતો. કયા કાયદા હેઠળ સગીરને મળેલી જામીનનો આદેશ સુધારવામાં આવ્યો હતો અને કઈ રીતે તેને ગોંધી રાખવામાં આવ્યો છે? એવો સવાલ કોર્ટે પોલીસને કર્યો હતો.
કોર્ટે અરજી પર દલીલ સાંભળતી વખતે નોંધ કરી હતી કે પોલીસે હજી સુધી જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આદેશ દ્વારા આપેલા જામીન રદ કરવા માટે ઉપલી કોર્ટમાં અરજી કરી નથી. આને બદલે જામીન આદેશમાં સુધારો કરવાની અરજી ક રવામાં આવી છે, એમ જણાવીને હાઈકોર્ટે ઉમેર્યું હતું કે આ અરજીને આધારે જામીન આદેશ સુધારાયો છે અને સગીરને કસ્ટડીમાં લઈને નિરીક્ષણ ગૃહમાં રખાયો છે.
આ કઈ રીતના રિમાન્ડ છે? રિમાન્ડ આપવાની શું સત્તા છે? આ કઈ પ્રક્રિયા છે જેમા ંજામીન અપાયા બાદ રિમાન્ડનો આદેશ આપીને તેને કસ્ટડીમાં લેવાયો છે, એમ કોર્ટે સવાલ કર્યા હતા.
અગાઉ સગીરના વકિલે દલીલ કરી હતી કે સગીરના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે. જામીન આદેશ અમલમાં હતો ત્યારે તેને કસ્ટડીમાં લઈને તેની અંગત આઝાદી પર તરાપ મરાઈ છે.આ રીતે જામીન આદેશની સમીક્ષા કરવાનું ક્યાંય કાયદામાં નથી. તમે ઘડિયાળના કાટાં પાછા વાળી શકો નહી. આવી ગંભીર બાબત એમસીઓસીએ અને આતંકવાદી પ્રવૃત્તિ વિરોધી કાયદામાં પણ નથી થતી તો સગીરના કેસમાં કઈ રીતે થઈ શકે.