17 જૈન પ્રાચીન પ્રતિમાઓનું લીલામ હાઈકોર્ટે અટકાવ્યું
લીલામકારે તુરંત લીલામી કરાશે નહીં એવી ખાતરી આપી
આર્કિયોલોજીકલ સર્વેને પ્રતિમાની કસ્ટડી લેવા અરજીમાં વિનંતી કરાઈ : સરકારને એફિડેવિટ દ્વારા વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે રૃ. ૯૪.૫૦ લાખની કિમંતની ૧૭ પ્રાચીન અને મૂલ્યવાન જૈન મૂર્તિઓની લીલામીને અટકાવવા હસ્તક્ષેપ કર્યો છે. આ મૂર્તિઓ મૂળ તો ઓનલાઈન લીલામી અને વેચાણ માટે ટોડીવાલા ઓક્શનના ફારોખ ટેડીવાલા દ્વારા મૂકાવાની હતી, પણ શ્રી મુંબઈ જૈન સંઘ સંઘઠન અને વેપારી અશોક સાલેચા તરફથી આ લીલામ અટકાવવા અરજીઓ કરાઈ છે.
ન્યા. કુલકર્ણી અને ન્યા. પૂનીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. ટોડીવાલાએ ખાતરી આપી હતી કે પ્રાચીન જૈન મૂર્તીઓને હાલ તુરંત લીલામી માટે મૂકાશે નહીં. પરિણામે કોર્ટે રાજ્ય સરકારને સૂચના આપીને સોગંદનામા દ્વારા વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
અગાઉ જૈનોએ આ પ્રાચીન પ્રતિમાઓને વિશેષ લીલામીમાં નહીં વેચવાની માગણી કરી હતી. તેમણે આગ્રહ રાખ્યો હતો કે જૈન ભક્તોની પૂજા માટે આ મૂર્તિઓને ઉપલબ્ધ કરવામાં આવે.અરજદારોએ પહેલાં લીલામી કરનારનો સંપર્ક કર્યો હતો જેણે ત્રીજી એપ્રિલે જણાવ્યું હતું કે મૂર્તિઓને વેચવામાં નહીં આવે. જોકે ત્યાર બાદ લીલામી થવાની હોવાનું જણાતાં તેમણે છઠ્ઠી એપ્રિલે કાનૂની નોટિસ મોકાલવીને લેખિતમાં જણવાવા માગ્યું હતું. કોઈ જવાબ નહીં મળતાં અરજદારો હાઈ કોર્ટમાં ગયા હતા.
અરજદારોએ કેન્દ્ર સરકાર અને વેસ્ટર્ન રિજનના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ આર્કિયોલોજિસ્ટને અપીલ કરીને મધ્યસ્થી કરીને લીલામી અટકાવવા વિનંતી કરી હતી. પવિત્ર મૂર્તિઓનું વેચાણ કરવાથી લાખો જૈનોના મૂળભૂત અધિકારનો ભંગ થશે.
કેન્દ્ર સરકાર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાનીજવાબારી છે કે પ્રાચીન જૈન મૂર્તિઓ તેમના અનુયાયીઓને ઉપલબ્ધ કરવામાં આવે, એવી દલીલ અરજદારોએ કરી હતી. આથી તેમણે ડિરેક્ટર ઓફ આર્કિયોલોજી અને ચીફ આર્કિયોલોજિસ્ટ ઓફ ઈન્ડિયન આર્કિયોોજીકલ સર્વેને વિનંતી કરીને પ્રાચીન પ્રતિમાઓની કસ્ટડી લઈને લીલામી અને વેચાણ અટકાવે, એવી વિનંતી અરજીમાં કરી હતી.