કરોડોની અનેક કાર છતાં લોહીલુહાણ હાલતમાં સૈફને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો
મુંબઇ - અભિનેતા સૈફ અલી ખાનને ચાકૂના હુમલા બાદ રિક્ષામાં હોસ્પિટલમાં પહોંચ્યો હોવાનો અહેવાલ છે. ચોર સાથેની ઝપાઝપીમાં સૈફ ઘાયલ થયો હતો પછી પુત્ર ઇબ્રાહિમ ખાન પિતા સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઇ ગયો હતો. કારથી નહી પરંતુ રિક્ષા દ્વારા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
લકઝુરિયસ કાર દરવાજે ઉભી હોવા છતાં ડ્રાઇવર હાજર ન હોવાના કારણે સૈફને રિક્ષામાં હોસ્પિટલ જવું પડયું હોવાનું કહેવાય છે.
સૈફ પાસે ૨.૭૨ કરોડની ઓડી આર આઠ સ્પાઈડર કાર છે. આ ઉપરાંત તેની પાસે ૭૪ લાખ રુપિયાની અન્ય કાર તથા ૧.૭૫ કરોડની મર્સિડિઝ બેન્ઝ છે. તેની પાસે ૧.૭૮ કરોડની એક રેન્જ રોવર વોગ પણ છે. આમ છતાં પણ તેને રિક્ષામાં કેમ લઈ જવો પડયો તે એક સવાલ છે.
જોકે, સૈફને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયા અંગે પરિવારે કોઈ પુષ્ટિ કરી નથી.
હુમલા વખતે કરીના ઘરમાં હતી કે પછી પાર્ટીમાં ગઈ હતી ?
કરીના તથા સૈફની ટીમના દાવા અનુસાર હુમલા વખતે કરીના કપૂર ઘરમાં જ હતી. પરંતુ, કેટલાક અહેવાલો ઉપરાંત એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એવું માનવામાં આવે છે કે આ હુમલો થયો ત્યારે કરીના કપૂર સોનમ કપૂર અને તેની બહેન રિયા સાથે પાર્ટી કરી રહી હતી .
કહેવાય છે કે કરીના પાર્ટીમાં હતી ત્યારે તેને આ હુમલા વિશે જાણ થઈ હતી. તે પછી તે થોડીવારમાં સીધીહોસ્પિટલ પહોંચી હતી. એક વીડિયોમાં કરીના કપૂર હોસ્પિટલની બહાર સ્ટાફને કોઈ સૂચના આપતી પણ દેખાય છે.
જોકે, સૈફ અને કરીનાની ટીમના દાવા અનુસાર બનાવ બન્યો ત્યારે સૈફ ઉપરાંત કરીના તથા તેમનાં સંતાનો તૈમુર અને જેહ ઘરમાં જ હતાં.
આરોપીની ઓળખ મળીઃ લાદી ઘસનારાઓની તપાસ
કેટલાક દાવા અનુસાર પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. પરંતુ, આજે મોડી સાંજ સુધી તેનું નામ જાહેર કરાયું ન હતું. સૈફના ઘરે લાદી ઘસવાનું કામ પણ થયું હતું. તેના કેટલાક કારીગરોની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું કહેવાય છે. પોલીસે લિફ્ટમેન, સિક્યોરિટી જવાન તથા સૈફના સ્ટાફના સભ્યોનાં નિવેદન લીધાં હતાં. બનાવ સમયે સૈફના ઘરે તેની સિક્યોરીટી ટીમમાંથી કેમ કોઈ હાજર ન હતું તે અંગે પણ સવાલો થયા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ કે કરીના ને કોઈ શૂટિંગ કે કોઈ કામસર બહાર ન જવાનું હોય તેવા સંજોગોમાં રાતે સિક્યોરિટી જવાનો હોતા નથી.
હુમલાખોરને ઘરની તમામ માહિતી હતી, અગાઉ રેકી કર્યાની શંકા
અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસણખોરી કરનાર આરોપીએ અગાઉ તેને નિવાસસ્થાનની રેકી કરી સંપૂર્ણ માહિતી મેળવી હોવાની શંકા છે. પોલીસે સૈફ અલી ખાનની બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. લિફ્ટમાં સીસીટીવી હોવાથી ચોર લિફ્ટમાં આવ્યો ન હોવાનું માલૂમ પડયું છે.
પોલીસની ટીમ ઇમારતની પાછળની બાજુની તપાસણી કરી હતી. અહીં કમ્પાઉન્ડ વોલ છે. આ દીવાલ પાંચ- છ ફૂટની છે. તેના પર લોખંડની જાળીની વાડ કરવામાં આવી છે. તાજેતરમાં એક જગ્યાએ આ જાળી તૂટી ગઇ હતી. તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. સૈફની બિલ્ડીંગની પાછળથી પ્રવેશવામાં આ એકમાત્ર રસ્તો છે. આ બિલ્ડીંગની પાછળ એક જ સિક્યુરિટી ગાર્ડ હતો. બિલ્ડીંગના આગળના ભાગમાં સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ચોર અંદર ઘૂસ્યો હોવાની શંકા છે.
સૈફના બિલ્ડીંગની બાજુમાં પેટ ફિના નામનો ઘણો જૂનો બંગલો છે. ફોરેન્સિક ટીમ તે કમ્પાઉન્ડ વોલ અને આસપાસની જગ્યાની તપાસ કરી છે.
ચોરી કે અન્ય કોઇ કારણ?અનેક ખૂટતી કડીઓના કારણે શંકાકુશંકા
એક્ટર સૈફ અલી ખાન પર ચોરીના ઇરાદે હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ આ હુમલા પાછળ અન્ય કારણ પણ હોઇ શકે એવી ચર્ચા થઇ રહી છે.
પોલીસે સૈફ પર હુમલો કરનારા આરોપીની ઓળખ કરી લીધી છે. હુમલાના થોડા સમય પહેલા આરોપી સૈફના ઘરમાં છુપાયો હોવાનું કહેવાય છે. પોલીસે આપેલી માહિતી પરથી કેટલાક નવા સવાલો ઉભા થયા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી એપાર્ટમેન્ટની સીડીથી ઉપર આવ્યો હતો. પરંતુ તે ઘરમાં કેવી રીતે પ્રવેશ્યો તેના જવાબ પ્રાથમિક તપાસમાં મળી શક્યા નહોતા. અત્યાર સુધીની માહિતી મુજબ આરોપીએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. શું આરોપીને ઘરની કોઇ વ્યક્તિએ અંદર પ્રવેશવા મદદ કરી હતી? તેને કોઇ ઓળખતું હતું? સિક્યુરિટી ગાર્ડે તેને જોયો નહોતો. આવા અનેક પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. કેના કારણે આ કેસનું રહસ્ય વધી ગયું છે.