21 કરોડની ઉચાપત કરી ગર્લફ્રેન્ડને 4 બીએચકે ફલેટ લઈ દેનારો હર્ષ 11 દિવસે ઝડપાયો
13 હજારના પગારદાર કોન્ટ્રાક્ટ પરના કર્મચારીએ કરોડોની સંપત્તિ વસાવી
1 વર્ષથી સરકારી સ્પોર્ટસ કોમ્પ્લેક્સનાં નાણાં ની ઉચાપતઃ દિલ્હી નિઝામુદ્દિન સ્ટેશનેથી ઝડપાયો, માતા પિતા તથા પ્રેયસીની પણ અગાઉ ધરપકડ
મુંબઈ -છત્રપતિ સંભાજી નગરના સ્પોર્ટસ કોમ્પલેક્સ કૌભાંડના મુખ્ય આરોપી હર્ષ કુમાર ક્ષીરસાગરની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. સ્પોર્ટ કોમ્પલેક્સમાં ૨૧ કરોડના કૌંભાંડ કેસમાં હર્ષકુમાર ક્ષીરસાગર ૧૧ દિવસથી ફરાર હતો. હર્ષ કુમારની ધરપકડ બાદ આ કેસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
હર્ષ કુમાર દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે પોલીસેે તેની ધરપકડ કરી હતી. તો હર્ષકુમારના માતા પિતાને કર્ણાટકના મુરુડેશ્વરથી અટકાયતમાં લેવામાં આવ્યા છે.
હર્ષકુમાર ક્ષીરસાગર છત્રપતિ સંભાજી નગરના ડિવિઝનલ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં કોન્ટ્રાક્ટ પર કલાર્ક તરીકે નોકરી કરતો હતો. જેમાં તેનો પગાર માત્ર ૧૩ હજાર હતો. પરંતુ તેણે રુ. ૨૧.૫૯ કરોડ જેટલી કમાણી કરી હતી. હર્ષકુમારે પાલક મંત્રીની આગેવાની હેઠળના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વિભાગના બેંક ખાતામાંથી એક વર્ષમાં તેમના બે બેંક ખાતમાં કરોડો રુપિયા ટ્રાન્સફર કર્યા હતા.
હર્ષ ક્ષીરસાગરને તેની સહ કર્મચારી યશોદા શેટ્ટી અને યશોદાના પતિ બી કે જીવને આ કૌભાંડ માટે તેને મદદ કરી હતી. તેમણે ઈન્ડિયન બેન્કમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નામનાં એક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ એકાઉન્ટ સરકારી કામકાજ માટે હતું અને તેમાં ચેક ઉપાડવા માટે ડેપ્યુટી સ્પોર્ટસ ડાયરેક્ટરની સહી જરુરી હતી.
આ ત્રણેયે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ બેકિંગ સુવિધા શરુ કરાવી હતી. તેના થકી તેઓ પૈસાની ઉચાપત કરવા માંડી હતી. બાદમાં આ ત્રણેયે ૧૫થી વધુ ખાતાઓમાં આ પૈસા ડાયવર્ટ કરીને આ નાણાંથી બીએમડબલ્યૂ કાર, બીએમડબલ્યૂ બાઈક અને ડાયમંડ સ્ટડેડ ચશ્મા પણ ખરીદ્યાં હતાં. વધુમાં હર્ષે તેની ગર્લ ફ્રેન્ડ માટે એરપોર્ટની સામે જ ફોર બીએચકેનો વિશાળ વૈભવી ફલેટ પણ ખરીદ્યો હતો.
આ કૌભાંડમાં તેની સાથે સામેલ યશોદાના પતિએ ૩૫ લાખ રુપિયાની એસયુવી કારની ખરીદી પણ કરી હતી. જો કે, એક વર્ષ પછી હર્ષકુમારનું આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને તેની સામે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધવામાં આવતા જ હર્ષ ફરાર થઈ ગયો હતો. આ કેસમાં હર્ષની શોધખોળ કરતા હર્ષની પ્રેમિકા અર્પિતા વાડકરની પણ પોલીસે પૂછપરછ માટે ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હર્ષ કુમાર ક્ષીરસાગની ધરપકડ બાદ આ કેસમાં અનેક મોટા ખુલાસા થવાની હાલ શક્યતા છે.