સેકન્ડ હેન્ડ પત્ની' કહીને સતામણી કરતા પતિને 3 કરોડનું વળતર ચૂકવવા આદેશ
દીયર, દૂધવાળા, ભાજીવાળા સાથે સંબંધ હોવાની શંકા કરતો હતો
3 કરોડનાં વળતર ઉપરાંત મહિને દોઢ લાખના ભરણપોષણ અને માસિક 75 હજારનું ઘરભાડું પણ ચૂકવવા આદેશ
મુંબઈ : ઘરેલુ હિંસાચાર કેસમાં પત્નીને ત્રણ કરોડની ભરપાઈ તેમ જ માસિક રૃ.દોઢ લાખની ભરપાઈ આપવાનો નીચલી કોર્ટે આપેલા આદેશને હાઈ કોર્ટે કાયમ રાખ્યો છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા ઉપરાંત નેપાળમાં હનીમૂન દરમ્યાન 'સેકન્ડ હેન્ડ 'કહીને ઉતારી પાડી હતી.
ન્યા. શર્મિલા દેશમુખે પતિની અપીલ ફગાવી હતી. ઘરેલુ હિંસાચારને લીધે પત્નીના આત્મસન્માનને ઠેસ પહોંચી હોવાનું કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.પત્નીએ ઘરેલુ હિંસાચાર હેઠળ કરેલા કેસ નેઆધારે નીચલી કોર્ટે પત્ની માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાનો પતિને આદેશ આપ્યો હતો. એ વખતે પતિને દર મહિને ઘરભાડા તરીકે ૭૫ હજાર તથા ત્રણ કરોડ નાં વળતર અને દોઢ લાખનું ભરણપોષણ મંજૂર કરાયું હતું. પતિએ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. અપીલ ફગાવ્યા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
૧૯૯૪માં લગ્ન થયા ત્યારથી ૨૦૧૭ સુધી સતત પત્નીને માનસિક, શરીરિક, ભાવનિક અને આર્થિક ત્રાસ અપાતો હોવાનું પુરાવા પરથી સ્પષ્ટ થાય છે. આથી પત્ની નવ વર્ષ પીયરે રહી હતી. આ દરમ્યાન પતિએ તેને દૈનિક ખર્ચ પણ આપ્યો નહોતો.
પતિએ હિન્દુસ્તાન અને અમેરિકામાં પણ પત્નીની સતામણી કરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. લગ્ન બાદ અમેરિકા ગયા ત્યારે પોતાના ભાઈ સાથે પત્નીને અનૈતિક સંબંધ હોવાનો આરોપ કર્યો હતો. અને મારઝૂડ કરી હતી. મુંબઈ પાછા ફર્યા ત્યારે દૂધવાળા અને ભાજીવાલા સાથે વિવાહબાહ્ય સંબંધ હોવાની શંકા કરી હતી.પીડિત વિવાહિતાને સ્ત્રીધનથી વંચિત રાખવી એ પણ સતામણી છે એમ જણાવી પતિને તાત્કાલિક બેન્ક લોકરમાંથી તેના દાગીના પાછા કરવાનો આદેશ અપાયો હતો.