Get The App

તમારી સાથે પણ આવું બની શકેઃ થપ્પડ કાંડ પર બોલીવૂડ ચૂપ રહેતાં કંગના ભડકી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
તમારી સાથે પણ આવું બની શકેઃ થપ્પડ કાંડ પર બોલીવૂડ ચૂપ રહેતાં કંગના ભડકી 1 - image


બોલીવૂડ કલાકારોને રાફા ગેંગ તરીકે ઓળખાવ્યા

કંગનાને  થપ્પડ  મારવા બદલ સસ્પેન્ડ થયેલી સીઆઈએસએફની કોન્સ્ટેબલને કામ આપવાની વિશાલ દદલાણી દ્વારા ઓફર

મુંબઇ : કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર એક મહિલા કોન્સ્ટેબલે  થપ્પડ મારી દીધા બાદ બોલીવૂડના  કોઈ મોટા કલાકારે કંગનાને સપોર્ટ જાહેર નહિ કરતાં કંગના  બોલીવૂડ કલાકારો પર ભારે ભડકી છે. તાજેતરમાં ઈઝરાયેલે પેલેસ્ટાઈનના નિરાશ્રીતોની છાવણી પર એટેક કર્યો ત્યારે અનેક બોલીવૂડ કલાકારોએ 'ઓલ આઈઝ ઓન રાફા' કેમ્પેઈનને સમર્થન આપ્યું હતું. પરંતુ, કંગના પર હુમલા વખતે ચૂપ રહેલા બોલીવૂડ કલાકારો પર નારાજ થયેલી કંગનાએ તેમને રાફા ગેંગ તરીકે ઓળખાવી તમારાં બાળકો સાથે પણ આવું થઈ શકે છે તેમ કહી ઝાટકણી કાઢી છે. 

હિમાચલની મંડી સીટ પરથી હવે લોકસભાની સભ્ય બની ચૂકેલી કંગનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ડિઅર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો, તમે લોકો હાલ જશ્ન મનાવી રહ્યા છો અને મારા પર થયેલા એટેક બાબતે સાવ ચૂપ છો. પરંતુ તમે યાદ રાખજો કે તમે જ્યારે દેશમાં કે વિદેશમાં કોઈ રસ્તા પર ફરવા નીકળ્યા હશો ત્યારે તમારા પર માત્ર એ કારણે હુમલો થઈ શકે છે કે તમે ઈઝરાયેલ દ્વારા બંધક બનાવાયેલા લોકોને સપોર્ટ કર્યો હતો. તે સમયે તમે જોશો કે હું તમારા માટે લડત આપતી હોઈશ. તમને એ વાતે તકલીફ થઈ હોય કે હું જ્યાં છું ત્યાં શા માટે છું તો એ યાદ રાખજો કે હું તમારા જેવી નથી.  કંગનાએ વધુ એક પોસ્ટમાં લખ્યું હતું કે ઓલ આઈઝ ઓન રાફા ગેગ, જે મારી સાથે થયું તે તમારી સાથે કે તમારાં બાળકો સાથે પણ થઈ શકે છે. તમે એક આતંકી હુમલાને સેલિબ્રેટ કરી રહ્યા હો તો તમે પણ તેનો ભોગ બની શકો છો. ઐ દિવસ માટે તૈયારી રાખો જ્યારે તમારી સાથે પણ આવું બનશે. 

બીજી તરફ સંગીતકાર અને સિંગર વિશાલ દદલાનીએ કંગનાને થપ્પડ મારનારી સીઆઈએસએફ કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને  કામ આપવાની ઓફર કરી છે. વિશાલે જણાવ્યું હતું કે હું કોઈ પ્રકારે હિંસાના સમર્થનમાં નથી. પરંતુ, કુલવિંદરનો ગુસ્સો મને સમજાય છે.  જો સીઆઈએસએફ દ્વારા તેની સામે પગલાં લેવાય તો હું એ સુનશ્ચિત કરીશ કે બીજી એક નોકરી તેના માટે રાહ જોતી હશે. 

ઉલ્લેખનીય છે કે ગઈકાલ કંગના દિલ્હી જવા ચંડીગઢ એરપોર્ટ પર ફલાઈટ પકડવા આવી હતી ત્યારે સીઆઈએસએફની કુલવિંદનર કૌર નામની કોન્સ્ટેબલે તેને તમાચો માર્યો હતો. કંગનાએ કિસાન આંદોલનમાં જોડાયેલી મહિલાઓ ૧૦૦-૧૦૦ રુપિયા લઈને બેઠી છે તેવું નિવેદન ભૂતકાળમાં કર્યું હતું. કુલવિંદરની માતાએ પણ તે આંદોલનમાં હિસ્સો લીધો હોવાથી તેને કંગનાના એ નિવેદન સામે નારાજગી હતી. 

આ થપ્પડ કાંડ પછી બે-ચાર ટીવી સ્ટારને બાદ કરતાં બોલીવૂડના કોઈ મોટા કલાકાર કંગનાના સપોર્ટમાં આવ્યા નથી.



Google NewsGoogle News