Get The App

મરાઠા આંદોલનના કેસો સીબીઆઈને સોંપોઃસદાવર્તેની હાઈકોર્ટમાં અરજી

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
મરાઠા આંદોલનના કેસો સીબીઆઈને સોંપોઃસદાવર્તેની હાઈકોર્ટમાં અરજી 1 - image


નુકસાનની જવાબદારી આંદોલનકારીઓ પર નાંખવા માગણી

મરાઠા અનામત આંદોલનને શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેનું સમર્થન હોવાનો અરજીમાં દાવો

મુંબઈ : મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા આંદોલન સંબંધે મહારાષ્ટ્રમાં દાખલ થયેલા તમામ ગુના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અથવા કોઈ સ્પેશ્યલાઈઝ્ડ એજન્સીને સોંપવામાં આવે એવી દાદ સાથે એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે.

મરાઠા આરક્ષણનો વિરોધ કરતી ઢગલા બંધ અરજીમાં દલીલ કરી ચૂકેલા સદાવર્તેએ આ વખત ેમરાઠા આંદોલન વિરુદ્ધ કરેલી અરજીમાં જણાવ્યું છે કે ભોઈવાડા અને જાલનામાં  નોંધાયેલા કેસ સહિતની ૨૮ એફઆઈઆરને સીબીઆઈ પાસે સોંપવી જોઈએ. આ હિંસા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલ દ્વારા ભડકાવાઈ હોવા છતાં તેનું નામ રાજકીય સાઠગાંઠને કારણે કોઈ એફઆઈઆરમાં નથી. મરણનો અધિકાર મૂળભૂત અધિકાર નથી. આથી ઉપવાસ પર બેસવાની પરવાનગી નકારતો કાયદો કરવાનો આદેશ સરકારને આપવામાં આવે એવી માગણી પણ કરાઈ છે. અરજી પર આઠ નવેમ્બરે સુનાવણી થશે. 

હિંસા દરમ્યાન જાહેર મિલકતને થયેલા નુકસાનની જવાબદારી આંદોલનકારો પર નાખવી જોઈએ એવી માગણી પણ અરજીમાં કરાઈ છે. અરજીમાં જેમની મિલકતને નુકસાન થયું છે તેવા લોકોને ભરપાઈ કરવાનો રાજ્ય સરકારને નિર્દેશ આપવાની પણ દાદ મગાઈ છે. આંદોલનને શરદ પવારની રાષ્ટ્રવાદી અને ઉદ્ધવ ઠાકરેનું સમર્થન હોવાનો પણ આરોપ સદાવર્તેએ કર્યો છે.

ગયા સપ્તાહે મરાઠા આરક્ષણના કાર્યકર્તા હોવાનો દાવો કરીને સદાવર્તેની બે ગાડીઓને નુકસાન કર્યું હતું. સદાવર્તેએ હાઈ કોર્ટ સમક્ષ અરજી રજૂ કરી હતી.



Google NewsGoogle News