ઈન્દોરના દિવંગત વેપારીનો હાથ વિશેષ ફ્લાઈટમાં મુંબઈ લાવી પ્રત્યારોપણ કરાયો
ઓર્ગન ડોનર વેપારીના લીવરે પણ મુંબઈમાં એકનો જીવ બચાવ્યો
મૃતકના કિડની, આંખ, ત્વચાનું પણ દાનઃ મુંબઈમાં વીજળીના આંચકામાં હાથ ગુમાવનારને નવજીવન મળ્યુ
મુંબઈ : મુંબઈના એક ૨૮ વર્ષીય વ્યક્તિને ઈન્દોરના એક સ્વર્ગસ્થ વેપારી સુરેન્દ્ર પોરવાલના હાથનું પ્રત્યારોપણ થતા તેણે રાહતનો શ્વાસ લીધો હતો. દાનમાં અપાયેલા હાથ ઈન્દોરથી મુંબઈ વિશેષ ફ્લાઈટમાં લાવવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક તેનું પ્રત્યારોપણ કરાયું હતું. ઉપરાંત પોરવાલની કિડનીઓ બે સ્થાનિક દરદીઓને આપવામાં આવી હતી જ્યારે તેના લિવરે મુંબઈમાં એક વધુ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. આ ઉદાર દાન મહત્વના અવયવોથી આગળ ગયું જ્યારે મૃતકના પરિવારજનોએ તેની ત્વચા અને આંખો પણ દાન કરીને અવયવ દાન કરવાની તેની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી.
આ હાથ મેળવનારા મુંબઈના યુવકને કેટલાંક વર્ષો પહેલાં વીજળીનો આંચકો લાગ્યો હતો. તેમાં તેણે પોતાના હાથ ગુમાવવા પડયા હતા. હવે વર્ષો બાદ ફરીથી તે પોતાના હાથે જરુરી કામ કરી શકશે.
જૈન સમુદાયના સુરેન્દ્ર પોરવાલને તેની એપેન્ડિક્સ સર્જરી પછી થયેલી ગૂંચવણોને કારણે ૨૩ ડિસેમ્બરે બ્રેન-ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાના બે વર્ષ અગાઉ તે બ્રેન હેમરેજ સર્જરીમાંથી રિકવર થયો હતો. તેના અકાળ અવસાન છતાં પોરવાલની પરોપકારી ભાવના જીવંત રહી અને મેડિકલ ટીમે તેના અવયવો સાચવીને અન્યોના જીવન સુધારવામાં અને બચાવવામાં ઉપયોગ કર્યો.
હાથના પ્રાપ્તકર્તાના પોતાના હાથ ઈલેક્ટ્રિક શોક પછી થયેલી ગંભીર ઈજાઓમાં નિષ્ક્રિય થઈ ગયા હતા. ઈન્દોર સોસાયટી ફોર ઓર્ગન ડોનેશને આ સમગ્ર પ્રક્રિયાની જટિલતા અને તેની જીવન બચાવનારી અસર વિશે જાણકારી આપી.
પોરવાલના મૃતદેહને ઈન્દોરમાં સ્થાનિક હોસ્પિટલ ખાતે હૃદયસ્પર્શી વિદાય આપવામાં આવી. તેના સ્ટ્રેચર માટે લાલ જાજમ બિછાવવામાં આવી અને ડોક્ટરો તેમજ નર્સોએ પુષ્પવર્ષા કરીને તેમનો અંતિમ આદર વ્યક્ત કર્યો.