Get The App

ગુજરાતનો ડંકો વાગ્યોઃ 'છેલ્લો શો' ઓસ્કર માટે શોર્ટલિસ્ટ

Updated: Dec 22nd, 2022


Google NewsGoogle News
ગુજરાતનો ડંકો વાગ્યોઃ 'છેલ્લો શો' ઓસ્કર માટે શોર્ટલિસ્ટ 1 - image


'આરઆરઆર' નાટુ નાટુ ગીત માટે માત્ર મ્યુઝિક કેટેગરીમાં શોર્ટલિસ્ટ

21 વર્ષ પછી પહેલી ભારતીય ફિલ્મ આ સ્તરે પહોંચીઃ ઓસ્કરના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર ભારતની કુલ  4 ફિલ્મ શોર્ટલિસ્ટ

મુંબઇ :  ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કરની બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટ લિસ્ટ થઈ છે. છેલ્લે ૨૦૦૧માં 'લગાન' આ સ્તર સુધી પહોંચી હતી. 'છેલ્લો શો' ભારતની સત્તાવાર કેટેગરી તરીકે ઓસ્કરમાં મોકલાઈ છે. હવે તેના સહિત કુલ ૧૫ ફિલ્મો વચ્ચે ઓસ્કર માટે સ્પર્ધા થશે. જ્યારે ખાનગી એન્ટ્રી તરીકે મોકલાયેલી અને દેશવિદેશમાં કમાણીના રેકોર્ડ સાથે બહુ ગાજેલી એસ.એસ રાજામૌલીની 'આરઆરઆર'ને નાટુ નાટુ ગીત માટે માત્ર મ્યુઝિક કેટેગરીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતની 'ઓલ ધેટ બ્રેથસ'ને  ડોક્યુમેન્ટરી ફિચર્સ કેટેગરીમાં તતા 'ધી એલીફન્ટ વ્હિસ્પર્સ'ને શોર્ટ ડોક્યુમેન્ટરીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવતાં કુલ ચાર ભારતીય ફિલ્મો આ વખતે ઓસ્કર શોર્ટલિસ્ટમાં પહોંચી છે. ભારતની ચાર-ચાર ફિલ્મો શોર્ટલિસ્ટના તબક્કા સુધી પહોંચી હોય તેવું ઓસ્કરના ઈતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે.  

એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીઝ દ્વારા ઓસ્કર ૨૦૨૩ની શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદી આજે પ્રગટ કરવામાં આવી હતી. હવે તા. ૨૪મી જાન્યુઆરીએ ફાઈનલ નોમિનેશનની જાહેરાત કરાશે.  આગામી વર્ષે તા. ૧૨મી માર્ચે લોસ એન્જલિસના ડોલ્બી થિયેટરમાં ૯૫મો ઓસ્કર એવોર્ડ સમારોહ યોજાશે. આજે  ડોક્યમેન્ટરી ફિચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ, ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ, મેક એન્ડ હેર સ્ટાિલિંગ, મ્યુઝિક (ઓરિજિનલ સ્કોર), મ્યુઝિક (ઓરિજિનલ સોંગ), એનિમેટેડ શોર્ટ ફિલ્મ, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ, સાઉન્ડ તથા વિઝ્યુઅલ ઈફેક્ટસ એટલી દસ કેટેગરી માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદી પ્રગટ કરાઈ હતી. 

'છેલ્લો શો' ગુજરાતી મૂળના હોલીવૂડ ફિલ્મ સર્જક પાન નલીને દિગ્દર્શિત કરી છે. સૌરાષ્ટ્રના એક નાના ગામ ચલાણાનો બાળક કેવી રીતે સિનેમાના પ્રેમમાં પડે છે તેની વાત ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મના કલાકારોમાં ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દિપેન રાવલ, રાહુલ કોળી અને વિકાસ બાટાનો સમાવેશ થાય છે. 

આ વખતે 'આરઆરઆર'ને ઓસ્કરમાં ભારતની એન્ટ્રી તરીકે મોકલાશે એમ મનાતું હતું પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 'છેલ્લો શો'ની પસંદગી થઈ હતી. શોર્ટલિસ્ટેડ ફિલ્મોમાં સ્થાન મેળવીને 'છેલ્લો શો'એ આ પસંદગી સાર્થક ઠેરવી છે.  પાન નલિન તથા ફિલ્મના નિર્માતાઓ સિદ્ધાર્થ રોય કપૂર અને ધીર મોમાયાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ ફિલ્મને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા વિશ્વમાં તેને નિહાળનારા લાખો લોકો અને દુનિયાભરના અમારા ડિસ્ટ્રિબ્યૂટર્સના આભારી છીએ. ભારત માટે  આ ઐતિહાસિક ક્ષણ છે અને અમે ઓસ્કરને ભારત લાવવા માટે આશાવાદી છીએ. 

અત્યાર સુધીમાં લગાન (૨૦૦૧), સલામ બોમ્બે ( ૧૯૯૮) તથા મધર ઈન્ડિયા (૧૯૫૭) એમ ત્રણ જ ફિલ્મો ઓસ્કરમાં નોમિનેશનના તબક્કા સુધી પહોંચી શકી છે. 

'છેલ્લો શો'નો મુકાબલો આર્જેન્ટિના , ૧૯૮૫ ( આર્જેન્ટિના), 'ડિસિશન ટૂ લીવ' ( સાઉથ કોરિયા), 'ઓલ ક્વાઈટ ઓન ધી વેસ્ટર્ન ફ્રન્ટ ' (જર્મની) તથા 'ક્લોઝ' ( બેલ્જિયમ) સાથે છે. પાકિસ્તાનની 'જોયલેન્ડ' પણ આ હોડમાં છે. 

બીજી તરફ , રાજામૌલીએ પોતાની આરઆરઆર ફિલ્મને ઓસ્કારમાં પસંદગી માટે રાતદિવસ એક કર્યાં છે. આ ફિલ્મનું ભારે લોબિંગ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન મીડિયા પણ આ ફિલ્મ પર ઓવારી ચૂક્યું છે. જોકે, સૌનાં આશ્ચર્ય વચ્ચે તેને માત્ર 'નાટુ નાટુ' ગીત માટે જ શોર્ટલિસ્ટ કરાઈ છે. જોકે, હજુ કેટલીક જાહેર થવાની બાકી કેટેગરીઓ માટે પણ તે આશા ધરાવી શકે છે. 'નાટુ નાટુ' આ પહેલાં ગોલ્ડન ગ્લોબ તથા ક્રિટિક ચોઈસ એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ ચુકી છે. 

 આ અગાઉ ૨૦૦૮માં  'સ્લમડોગ' મિલિયનોરનાં 'જય હો' ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. ભારતીય બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મનું ગીત ગુલઝારે લખ્યું હતું અને એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું હતું. 

ભારતની બે ડોક્યુમેન્ટરી પણ શોર્ટલિસ્ટ 

ભારતની બે ડોક્યુમેન્ટરી પણ આ વખતે શોર્ટ લિસ્ટ થઈ છે. શૌનક સેનની 'ઓલ ધેટ બ્રેથસ' બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચર કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે. જ્યારે કાર્તિકી ગોન્સાલવીસની  'ધી એલીફન્ટ વ્હિસપર્સ'ને શોર્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. 'ઓલ ધેટ બ્રેથસ'માં બે ભાઈઓ દ્વારા થતાં બર્ડ રેસ્ક્યુની વાત આવરી લેવાઈ છે.  શૌનક સેને કહ્યું હતું કે પોતે આ સ્થાનથી બહુ ખુશ છે. આ ફિલ્મમાં અમારાં પાત્રો જે કામ કરે છે તેના પર વધુ પ્રકાશ ફેંકાશે  આ ઉપરાંત અમને જે ફિલ્મો વચ્ચે સ્થાન અપાયું છે તેની પણ ખુશી છે. 'ધી એલીફન્ટ વ્હિસ્પર્સ'માં બે ત્યજી દેવાયેલા બે હાથી અને તેમના પાલકો વચ્ચેના લાગણીભર્યા સંબંધની વાત છે.



Google NewsGoogle News