Get The App

ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીઓ સુરક્ષિત હવે યુદ્ધ લાંબુ ચાલશે તેવી ચિંતા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીઓ સુરક્ષિત  હવે યુદ્ધ લાંબુ ચાલશે તેવી ચિંતા 1 - image


ભારતીયો સતત એકમેકના સંપર્કમાં, દૂતાવાસ તરફથી કોઈ સૂચના નહિ

સૌને બંકર આસપાસ જ રહેવા સૂચના,  સતત ભય અને ચિંતા વચ્ચે પણ ઈઝરાયેલીઓ નવાં વર્ષના શોપિંગ માટે નીકળ્યા

ઈઝરાયેલ વસતા ગુજરાતીએ ચિતાર આપ્યો

મુંબઈ :  ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલા થતાં હવે યુદ્ધ વકરવાની આશંકાએ ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીઓ  સહિતના ભારતીયો પણ ભારે ચિંતાતુર બન્યા છે. બે દિવસથી ઈઝરાયેલી નવાં વર્ષની ઉજવણી શરુ થઈ છે. પરંતુ, અત્યારે ભય અને ચિંતાના વાતાવરણ હેઠળ નવું વર્ષ મનાવાઈ રહ્યું છે એમ તેલ અવીવ ખાતે રહેતા  મૂળ પોરબંદરના એક વતનીએ જણાવ્યું હતું.

 તેલ અવીવમાં બેનગુરીઓન એરપોર્ટથી પંદર કિમીના અંતરે રહેતા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના ઈઝરાયેલ ખાતેના પ્રતિનિધિ જીવાભાઈ  મૂળીયાસીયાએ 'ગુજરાત સમચાર'ને કહ્યું હતું કે  ગયાં વર્ષે સાત ઓગસ્ટના રોજ હમાસ આતંકવાદી જૂથ દ્વારા હુમલો થયા બાદ એક વર્ષથી અહીં યુદ્ધ જેવું જ વાતાવરણ છે. જોકે, ઈઝરાયેલ સરકાર દ્વારા ઉચ્ચત્તમ ટેકનોલોજી દ્વારા નાગરિકોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવે છે. આથી અમે એકદમ સુરક્ષિત છીએ. 

તેમણે જણાવ્યુ ંહતું કે ઈરાને કરેલા નવા હુમલાથી યુદ્ધ જેવી સ્થિતિનો અંત આવવાની આશા દૂર હડસેલાઈ ગઈ છે. હવે એમ લાગે છે કે આ પરિસ્થિતિ  લાંબી ચાલશે. આનો અંત ક્યારે અને કેવો આવશે તે અંગે અહીં રહેતા ગુજરાતીઓ સહિત બધા ભારતીય ોપણ બહુ ચિંતિત છે. 

ઈરાનના હુમલા બાદ તરત સાયરન વાગવી શરુ થઈ હતી. અમને અગાઉથી  અપાયેલી સૂચના અનુસાર અમે સૌ તરત જ બંકરમાં સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા. અમને હાલ બંકર આસપાસ જ રહેવા અને અનિવાર્ય કારણો સિવાય દૂર સુધી નહીં જવા  સૂચના અપાઈ છે. મિસાઈલના અવાજો વચ્ચે બંકરમાં કેવો ભય લાગે છે તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ઈઝરાયેલમાં રહેતા ભારતીય સતત એકબીજાના સંપર્કમાં છે. સૌ આ પરિસ્થિતિનો વહેલી તકે અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અમને ભારતીય દુતાવાસ તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ માર્ગ દર્શિકા મળી નથી. 

તેમણે કહ્યું હતું કે ઈઝરાયેલી નવું વર્ષ કાલ સાંજથી શરુ થયું છે. તેની ઉજવણી બે દિવસ થવાની છે. તેના માટે લોકો શોપિંગ કરવા પણ નીકળ્યા હતા. પરંતુ, એકંદરે ભયના માહોલમાં જ આ  નવું વર્ષ મનાવાઈ રહ્યું છે. 

ઈઝરાયેલમાં આશરે દસ હજાર ભારતીયોનો વસવાટ છે.  મુંબઈના ગુજરાતીઓ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા , આણંદનો લોકો પણ નોકરી ધંધા માટે ઈઝરાયેલમાં રહે છે. અનેક ભારતીયો અન્ય વૃદ્ધ ભારતીયોના કેરટેકર તરીકે પણ આવ્યા છે. કેટલાય લોકો કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર કામ કરે છે. ભારતથી વિદ્યાર્થીઓ, આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ અહીં રહેવા આવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના હોય તેવા આશરે ૮૫ હજાર યહુદીઓ પણ અહીં વસવાટ કરે છે.  તેમાં પુણે, નાગપાડા અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોના યહુદીઓનો પણ સમાવેશ  થાય છે.  



Google NewsGoogle News