માટુંગાના ગુજરાતી દંપતીનું ગોવાના કેન્ડોલીમ બીચ પર તણાઈ જતાં મોત
રેડ એલર્ટ છતાં મોર્નિંગ વોકમાં નીકળ્યાં અને મોટું મોજું આવતાં તણાયા
૧૪ સિનિયર સિટિઝનનું વૃદ્ધ ફરવા ગયું હતું, પ્રકાશ દોશી અને હર્ષિતા દોશીનાં મોત, કલ્પના પારેખને સ્થાનિકોએ બચાવી હોસ્પિટલમાં ખસેડયાં
મુંબઇ: ગોવા ફરવા ગયેલા માટુંગાના ગુજરાતી વૃદ્ધ દંપતીનું કેન્ડોલિમ બીચ પર દરિયાના ઉંચા મોજામાં તણાઇ જતા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વૃદ્ધાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સવારે ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. ૧૪ સિનિયર સિટિઝનનું ગૂ્રપ મુંબઈથી ગોવા આવ્યં હતું. તેમાંથી ચાર જણે કેન્ડોલિમ બીચ પર ચાલવા જવાનું નક્કી કર્યું હતું.
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) અક્ષત કૌશલે જણાવ્યું હતું કે આ લોકો બીચ પર ચાલી રહ્યા હતા તે જ વખતે દરિયામાંથી એક વિશાળ મોજું આવ્યું હતું. ે બીચ પર ચાલતા ચારમાંથી ત્રણ જણ પ્રકાશ દોશી (ઉ.વ.૭૩), હર્ષિતા દોશી (ઉ.વ.૬૯) કલ્પના પારેખ (ઉ.વ.૬૮) દરિયાના મોજામાં તણાઇ ગયા હતા. તેમણે મદદ માટે બૂમાબૂમ કરતા ઘટનાસ્થળે હાજર લોકો તરત જ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો કલ્પના પારેખને બચાવવામાં સફળ રહ્યા હતા. તેમને ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે માટુગાના રહેવાસી વૃદ્ધ દંપતી પ્રકાશ દોશી અને હર્ષિતા દોશીના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગોવાના દરિયા કિનારા ચોમાસા દરમિયાન સ્વિમિંગ માટે બંધ હોય છે. લાઇફગાર્ડિંગ એજન્સી લોકોને દરિયાના મોજા, હાઇટાઇડ અને અન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તરવાનું ટાળવા વિનંતી કરે છે. આ ઉપરાંત સૂસવાટાભર્યા પવનોના લીધે દરિયામાં જવાનું જોખમી બની જાય છે.
મહારાષ્ટ્રના પાલઘરથી કર્ણાટકના ઉડુપી સુધીનો પશ્ચિમ કિનારામાં હાલમાં ભારે ભરતીની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ૪૪.૩ મીટરની ઉંચાઇ સુધી મોજા ઉછળી શકે છે. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસામાં ભારે વરસાદ સમુદ્રમાં ખરબચડી જમીન, અચાનક હવામાનમાં થતા ફેરબદલથી પણ જોખમ વધી જતું હોય છે.