વિરારમાં વૉટર ટેન્કર નીચે કચડાઇને દાદી અને 5 વર્ષીય પૌત્રનું મોત
દાદી પૌત્રને સ્કૂલે લઈ જતાં હતાં
ડ્રાઇવર ઘટના સ્થળેથી પલાયન : સ્થાનિક લોકોએ દ્વારા આંદોલન
મુંબઇ : વિરાર (પશ્ચિમ)માં આજે બપોરે વોટર ટેન્કરના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાહન હંકારીને અડફેટમાં લેતા ૬૦ વર્ષીય વૃદ્ધા અને તેમનો પાંચ વર્ષીય પૌત્ર મોતને ભેટયા હતા અકસ્માતને લીધે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને આંદોલન કર્યું હતું. એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આરોપી ડ્રાઇવર બનાવ બાદ નાસી ગયો હતો તેને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વિરાર (પશ્ચિમ)માં અર્નાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરે અંદાજે ૧.૩૦ વાગ્યે દુર્ઘટના બની હતી. ૬૦ વર્ષીય અમરાવતી યાદવ તેમના પાંચ વર્ષીય પૌત્ર વિવાન યાદવ સાથે તેમના નિવાસસ્થાન પાસેથી ચાલીને જઇ રહ્યા હતા. વૃદ્ધા તેમના પૌત્રને સ્કૂલમાં લઇ જઇ રહ્યા હોવાનું કહેવાય છે. તે સમયે વૉટર ટેન્કરના ડ્રાઇવરે દાદી અને પૌત્રને અડફેટમાં લીધા હતા. ટેન્કરનું ટાયર માસૂમ બાળકના શરીર પર ફરી વળ્યું હતું. તેનું જ જગ્યા પર મૃત્યુ થયું હતું. જ્યારે વૃદ્ધાને ગંભીર ઇજા થઇ હતી.
સ્થાનિક રહેવાસીઓની મદદથી અમરાવતી યાદવને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં પરિવારના બે જણના મૃત્યુ થતા યાદવ કુટુંબમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજી તરફ અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવરે ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે ટેન્કર છોડીને ભાગી ગયો હતો. અર્નાળા પોલીસે આ ટેન્કર તાબામાં લીધુ ંહતું.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોટાભાગના ડ્રાઇવર બેફામ પણે ટેન્કર ચલાવતા હોય છે. જ્યારે અમૂક ડ્રાઇવર દારૃના નશામાં હોવાનું કહેવાય છે. તેમની સામે જરૃરી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આરોપ લોકોએ કર્યો છે.
આ દુર્ઘટનાને લઇને સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.