લાપત્તા બાળકો, મહિલાઓને શોધવા સરકારની ફરજ: બોમ્બે હાઇકોર્ટ
માનવ તસ્કરી રોકવા ભરાયેલાં પગલાંઓની વિગત હાઈકોર્ટે મગાવી
રાજ્યમાં ત્રણ વર્ષમાં એક લાખ મહિલાઓ લાપતા બની હોવાની અરજી સંદર્ભમાં આવી ઘટનાઓ રોકવા શું પગલાં ભરાયા તેનો સરકાર પાસે જવાબ માગ્યો
મુંબઇ : લાપતા બાળકો અને મહિલાઓને શોધવાની તેમનું રક્ષણ કરવાની અને તેમને સુરક્ષિત આશ્રય આપવાની મહારાષ્ટ્ર સરકારની ફરજ છે તેવું અવલોકન બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે કર્યું હતું.
એક જાહેર હિતની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ રહી હતી. આવા કિસ્સાઓમાં સરકારે શું પગલાં ભર્યા હતા તે અંગે એફિડેવિટ રજૂ કરવા ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા. માનવ તસ્કરી રોકવા ભરાયેલા પગલાંની માહિતી બેન્ચે જીઆરપી પાસે માગી હતી આવી ઘટનાઓ અટકાવવા રાજ્ય સરકારે શું પગલાં ભરવા જોઇએ તેના સૂચનો હાઇકોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વિમેન (એમએસસીડબલ્યુ) પાસે મંગાવ્યા હતા.
વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે મહારાષ્ટ્રમાંથી ગુમ થયેલી એક લાખથી વધુ મહિલાને શોધી કાઢવાના નિર્દેશ રાજ્ય સરકારને આપવા તેવી વિનંતી સાંગલીના રહેવાસી શાહજી જગતાપે બોમ્બે હાઇકોર્ટને કરેલી પબ્લિક ઇન્ટેરેસ્ટ લિટિગેશન (પીઆએલ- જન હિતની અરજી)માં કરી હતી. ઘણી મહિલા અને બાળકો ગુમ થયા છે તેવા કિસ્સાઓમાં જરૃરી પગલાં સંબંધિત સત્તાધીશો કથિત રીતે લઇ રહ્યા નથી તે અંગે અરજીમાં ચિંતા દર્શાવવામાં આવી હતી. જગતાપની પોતાની પુત્રી ગુમ થઇ હતી તેવું અરજદારના એડવોકેટે કહ્યું હતું. પોતાની પુત્રીને શોધવાના પ્રયત્નો દરમિયાન અરજદારને ખબર પડી હતી કે મહારાષ્ટ્રમાંથી ગુમ થયેલા બાળકોની સંખ્યા 'ઘણી વધુ' છે. ૧૪ માર્ચ ૨૦૨૩ના દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં કહ્યું હતું કે ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો ગુમ થવાની સંખ્યા મહારાષ્ટ્રમાં વધુ છે. વર્ષ ૨૦૧૯માં ૪૫૬૨, વર્ષ ૨૦૨૦માં ૩૩૫૬ અને વર્ષ ૨૦૨૧માં ૪૧૨૯ બાળકો ગુમ થયા હતા. આ ત્રણ વર્ષમાં ૧૮ વર્ષથી વધુ વય ધરાવતી એક લાખથી વધુ મહિલા રાજ્યમાં ગુમ થઇ ગઇ હતી.
બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે બાળકો અને મહિલાઓ ગુમ થવાના જુદા જુદા કારણો હોય શકે છે. તેમને શોધી કાઢવા અને જરૃર હોય તો સુરક્ષિત આશ્રયસ્થાન આપવાની રાજ્ય સરકારની જવાબદારી છે. આટલી મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ ગુમ થયા છે તે માટેનું એક કારણ માનવ તસ્કરી હોય શકે છે. આ દુષણ નાબૂદ કરવા તમામ સરકારી વિભાગો પોલીસ, રેલવે વિગેરેએ સંકલન રાખીને કાર્ય કરવું જોઇએ. નવેમ્બર ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે સત્તાધીશોને આમ ન બને તે માટે સંખ્યા બંધ નિર્દેશ આપ્યા હતા તેનો ઉલ્લેખ અરજદારે કર્યો હતો.
લાપત્તા બાળકો/ મહિલાઓને શોધી કાઢવા અને આવા બનાવો અઠકાવવા સરકાર પાસે શું વ્યવસ્થા છે તેનું વિવરણ એફિડેવિટમાં આપવા કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા. બેન્ચે કહ્યું હતું કે બાળકો અને મહિલાઓને ગુમ થતા અટકાવવા મહારાષ્ટ્ર સરકાર પાસે શું વ્યવસ્થા છે અને શું પગલાં ભરાયા છે તેની માહિતી એફિડેવિટમાં હોવી જોઇએ. આવી ઘટનાઓ અટકાવવા રાજ્ય સરકારે શું પગલાં ભરવા જોઇએ તેનું સૂચન આપવા મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વિમેનને વિનંતી માનવ તસ્કરી રોકવા ગર્વન્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) શું પગલાં ભર્યા છે તેની માહિતી આપતી વિગતો એક એફિડેવિટમાં રજૂ કરવા મહારાષ્ટ્ર જીઆરપીના વડાને અમે કહેવા માંગીએ છે.
આગામી સુનાવણી ચોથી ઓક્ટોબરે રાખવામાં આવી છે.