ગોવિંદાને પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી મીસફાયર થતાં પગમાં ઈજા
જુહૂના નિવાસસ્થાને વહેલી સવારે ગોળીબારથી જાતજાતની ચર્ચા
ગોવિંદાનો દાવોઃ રિવોલ્વર કબાટમાં મૂકવા જતી વખતે નીચે પડી ગઈ અને આપોઆપ ગોળી છૂટી : હોસ્પિટલમાં દોઢ કલાકની સર્જરી
પોલીસે લાયસન્સવાળી રિવોલ્વર જપ્ત કરી તપાસ આદર
મુંબઇ : બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગની તપાસ ચાલી રહી છે. ત્યાં જુહૂમાં આજે વહેલી સવારે એકટર ગોવિંદાના ઘરે ગોળીબારની ઘટના બનતા ચકચાર જાગી હતી. ગોવિંદાના દાવા અનુસાર આજે વહેલી પરોઢે કોલકત્તા જવાની ફલાઈટ પકડવાની ઉતાવળમાં રિવોલ્વર કબાટમાં મૂકવા જતી વખતે નીચે પડી હતી અને તે અનલોક હોવાથી મિસ ફાયર થયું હતું. આ ગોળી તેને ઘૂંટણ પર વાગી હતી. હોસ્પિટલમાં તત્કાળ ઓપરેશન કરી ગોળી કાઢી લેવામાં આવી હતી. બીજી તરફ પોલીસે ગોવિંદાની લાઇસન્સવાળી રિવૉલ્વર જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
ગોવિંદાના મેનેજર રાશિ સિંહાના જણાવ્યા મુજબ આ ઘટના સવારે ૪.૪૫ વાગ્યે બની હતી. ગોવિંદા એક શૉ માટે કોલકાતાની છ વાગ્યાની ફલાઇટ પકડવા ઘરેથી નીકળી રહ્યા હતા. તે કબાટમાં રિવૉલ્વર રાખી રહ્યા હતા. તે સમયે રિવૉલ્વરનું ટ્રિગર અકસ્માતને દબાઇ જતા ગોળીબાર થયો હતો. ત્યાર બાદ એક ગોળી તેના પગમાં વાગી હતી.
ગોવિંદાના ભાઇ કીર્તિકુમારના જણાવ્યા મુજબ આ એક વિચિત્ર બનાવ હતો. નસીબજોગે ગોવિંદાનો બચાવ થયો છે. તે માત્ર રિવૉલ્વર તપાસી રહ્યો હતો. ત્યારે આકસ્મિક રીતે તેના હાથમાંથી રિવૉલ્વર પડી ગઇ અને ફાયરિંગ થયું હતું. સદનસીબે તે સમયસર હોસ્પિટલ પહોંચી ગયો હતો. હવે તે સ્વસ્થ છે. બનાવ વખતે ગોવિંદાની પત્ની સુનિતા કોલકત્તા જ હતી. તે ત્યાથી આવવા રવાના થઈ હતી.
કીર્તિકુમારે વધુમાં કહ્યું હતું કે ગોવિંદાનું ઓપરેશન સફળ રહ્યું છે. ડૉકટરોના જણાવ્યા મુજબ તે સાજો થઇ રહ્યો છે. અને બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવાની જરૃર છે. પરંતુ જો તેને સારું લાગે તો તે આજે જ ઘરે જઇ શકે છે, એમ કુમારે પત્રકારોને કહ્યું હતું.
અગાઉ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગોવિંદાને રજા આપવામાં આવી છે. તે ઘરે સ્વસ્થ થઇ રહ્યો છે. ઇજાગ્રસ્ત અભિનેતાને સારવાર માટે તેના નિવાસસ્થાન નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગોવિંદાએ હોસ્પિટલમાંથી એક ઓડિયો મેસેજ દ્વારા જણાવ્યું હતું કે ગોળી કાઢી લેવામાં આવી છે અને પોતે હવે સ્વસ્થ છે.
મુંબઇ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જુહૂમાં ગોવિંદાના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. અઆ મામલે કોઇએ ફરિયાદ નોંધાવી નથી. પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. પોલીસની ટીમ પંચનામા માટે સવારે ગોંવિદાના ઘરે પહોંચી ગઇ હતી. આક્સ્મિક રીતે ગોળી મિસફાયર થતા પોલીસે ગોવિંદાની લાઇસન્સવાળી રિવૉલ્વરને વધુ તપાસ માટે જપ્ત કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પણ હોસ્પિટલમાં અભિનેતાની મુલાકાત લીધી હતી.આજે દિવસ દરમિયાન બોલીવૂડની કેટલીય હસ્તીઓ તથા રાજકીય આગેવાનો ગોવિંદાને મળવા માટે હોસ્પિટમલાં પહોંચ્યા હતા.
૬૦ વર્ષીય ગોવિંદા અરુણ આહુજા બોલીવૂડમાં ગોવિંદા તરીકે જાણીતો છે. ગોવિંદા તેના કોમિક ટાઇમિંગ અને ડાન્સ માટે પ્રેક્ષકોમાં પ્રખ્યાત છે. તેણે ૧૯૮૬માં ફિલ્મ 'લવ-૮૬'થી ફિલ્મી કરિયરની શરૃઆત કરી હતી. ચાર દાયકાની કારકિર્દીમાં ૧૬૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઇલઝામ, ગેમ્બલર, આંખે, રાજાબાબુ, રાજન ચલે સસુરાલ, બડે મિયા છોટે મિયા, હિરો નંબર-૧, કુલી નંબર-૧, ભાગમ ભાગ, પાર્ટન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ગત લોકસભાની ચૂંટણીના એક મહિના પહેલા ગોવિંદા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયો હતો.
તેણે લગભગ બે દાયકા પછી રાજકીય ક્ષેત્રમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. અભિનેતાએ ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઇ ઉત્તર લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.
એક ભાગ તૂટી ગયો હોવાથી રિવોલ્વર લોક થતી ન હતી
અભિનેતા ગોવિંદા પોતાની સુરક્ષા માટે લાયસન્સવાળી રિવૉલ્વર સાથે રાખતો હતો. તેની સિક્યુરિટી માટે પોલીસ કર્મી પણ તૈનાત રહે છે.
ગોવિંદાની રિવૉલ્વરમાં છ ગોળી હતી. રિવૉલ્વર લૉડ કરેલી હતી. રિવૉલ્વર ઘણી જૂની હતી. અભિનેતા નવી રિવૉલ્વર ખરીદવા માંગતો હતો. તે પહેલા જ આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે.
રિવૉલ્વરનો લોકનો નાનો ભાગ તૂટી ગયો હતો આથી રિવૉલ્વર લૉક થતી નહોતી. રિવૉલ્વર કબાટમાં રાખતી વખતે નીચે પડી ત્યારે ગોળી મિસફાયર થઇ હોવાનું કહેવાય છે.