ગોવિંદા ફરી આલા રે, ચૂંટણી લડવા સીએમ શિંદેની શિવસેનામાં એન્ટ્રી
2004માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા
14 વર્ષના વનવાસ પછી રામ રાજ્યમાં પાછો ફર્યો હોવાનું ગોવિંદાનું નિવેદનઃ મુંબઈ ઉત્તર પશ્ચિમથી લડે તેવી સંભાવના પણ ટિકિટની તત્કાળ જાહેરાત નહીં
મુંબઈ : બોલીવૂડ અભિનેતા ગોવિંદાએ રાજકારણમાં રિ એન્ટ્રી કરી છે. અગાઉ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી મુંબઈ ઉત્તરના કોંગ્રેસના સાંસદ રહેલા ગોવિંદાએ આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવેશ મેળવ્યો હતો. ગોવિંદા આ વખતે શિવસેનાના ઉમેદવાર તરીકે મુંબઈ ઉત્તર પશ્ચિમની બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો લાંબા સમયથી ચાલે છે. જોકે, આજે શિંદેએ ગોવિંદાની ઉમેદવારી અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત કરી ન હતી.
ગોવિંદાને પક્ષમાં આવકારતાં શિંદેએ કહ્યું હતું કે હું તેમનું દિલથી સ્વાગત કરું છું. ડાઉન ટુ અર્થ અને દરેકને ગમતા ગોવિંદા શિવસેનામાં જોડાયા છે. હું તમામ સમુદાયોમાં લોકપ્રિય એવા ગોવિંદાનું સ્વાગત અને અભિનંદન કરું છું.
જ્યારે ગોવિંદાએ જણાવ્યું હતું કે રાજકારણમાંથી ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો અને હું રામરાજ્યમાં આવ્યો છું. ગોવિંદાએ કહ્યું છે કે મને જે જવાબદારી આપવામાં આવી છે તે હું ઈમાનદારીથી નિભાવીશ. આજે પાર્ટીમાં મારી એન્ટ્રી મને ભગવાનની કૃપા અને પ્રેરણા લાગે છે. હું વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી રાજકારણમાં હતો. પછી કોંગ્રેસ અને રાજકારણ છોડી દીધું હતું.
શિંદે સીએમ બન્યા ત્યારથી મુંબઈ વધુ સુંદર અને વિકસિત દેખાય છે. પીએમ મોદીના વડપણ હેઠળ ભારતે અવિશ્વસનીય વિકાસ સાધ્યો છે.
ગોવિંદા ચૂંટણી લડશે કે કેમ તેવા સવાલો અંગે શિંદેએ એમ કહ્યું હતું કે ગોવિંદાએ પક્ષમાં જોડાવા માટે કોઈ શરતો મૂકી નથી.
રાજકીય વર્તુળોમાં ચર્ચા અનુસાર ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠકની ટિકિટ અપાશે. આ બેઠક પર ઉદ્ધવ જૂથ દ્વારા અમોલ કિર્તીકરને ટિકિટ અપાઈ છે. અમોલ કિર્તીકરના પિતા ગજાનન કિર્તીકર આ બેઠકના સીટિંગ સાંસદ છે. શિંદે દ્વારા ગોવિંદાને ટિકિટ અપાય તો પિતા-પુત્રનો જંગ ટાળી શકાશે. જોકે, પાર્ટી તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
શિંદેની શિવસેના પાસે લોકસભા લડી શકે તેટલા પૂરતા સક્ષમ ઉમેદવારો નથી. આથી તેમણે ગોવિંદાને પક્ષમાં પ્રવેશ આપ્યો છે. જોકે, ગોવિંદાની પસંદગીથી આશ્ચર્ય ફેલાયું છે કારણ કે ૮૦ અને ૯૦ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલો ગોવિંદા હવે લાંબા સમયથી ફિલ્મ લાઈનમાં તદ્દન નિષ્ક્રિય છે.
૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવીને જાયન્ટ કિલરનું બિરુદ મેળવ્યું હતું.