60 વર્ષ પહેલાં ગેરકાયદે સંપાદિત જમીનના બદલામાં જમીન આપવા સરકારને આદેશ
તેડાંને પગલે મહેસૂલના એડિ. ચીફ સેક્રેટરી સુપ્રીમમાં હાજર
કોર્ટ કાયદો નથી પાળતી એવું ફલિત કરતું સોગંદનામું એકથી વધુ લોકોએ તૈયાર કર્યાનું જણાતાં કોર્ટે એડી. ચીફ સેક્રેટરીની માફી સ્વીકારીં
મુંબઈ : કોર્ટ કાયદો નથી પાળતી એવું જણાવતા સોગંદનામામાં અમુક નિવેદનોનો વાંધો ઉઠાવીને રાજ્ય સરકારના મહેસૂલ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી સામે જારી કરાયેલી અવમાનની નોટિસ સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. છ દાયકા પૂર્વે ગેરકાયદે હસ્તગત કરેલી જમીન બદલ દાવેદારને વૈકલ્પિક ૨૪ એકરથી વધુ જમીન શાંતિપૂર્વક હસ્તાંતરીત કરવાની તકેદારી લેવાનો આદેશ પણ સુપ્રીમકોર્ટે ઓથોરિટીને આપ્યો છે.
સોગંદનામું વિવિધ વ્યક્તિઓએ તૈયાર કર્યું હોવાનું જણાવાતાં ન્યા. ગવઈ અને ન્યા. વિશ્વનાથનની બેન્ચે નોંધ્યું હતું કે એડિશનલ ચીફ સેક્રેટરીને જ એકલા દોષિત ગણી શકાય નહીં. સોગંદનામું તૈયાર કરવામાં વિવિધ લોકો સંકળાયેલા હતા. આથી અમે રાજેશ કુમારને જારી કરેલી નોટિસ રદ કરીએ છીએ અને તેમની દિલગીરી સ્વીકારીએ છીએ.
સોગંદનામામાં જણાવાયું હતું કે અરજદાર તેમ જ કોર્ટ પુણે કલેક્ટર દ્વારા કરાયેલી નવેસરની ગણતરી માન્ય ભલે ન કરે પણ રાજ્ય સરકારને ફરજ છે કે કાયદાની જોગવાઈઓને અનુસરીને યોગ્ય ગણતરી કરવામાં આવે.
સોગંદનામામાં કુમારે જણાવ્યું હતું કે રૃ.૪૮.૬૫ લાખની રકમ વળતર પેટે આપવા સરકાર તૈયાર છે. જોકે અરજદારે બજાર ભાવનો આગ્રહ રાખીને રૃ.૨૫૦ કરોડથી વધુની માગણી કરી છે અથવા વળતરમાં વૈકલ્પિક પ્લોટ માગ્યો છે.
કોર્ટે પુણે કલેક્ટરને ૨૪ એકર ૩૮ ગુંઠા વૈકલ્પિક જમીન અરજદારને સોંપી દેવાની તકેદારી લેવાનો નિર્દેશ આપ્યો છે. જમીન સોંપતા પૂર્વે અતિક્રમણ દૂર કરવાનું પણ જણાવાયું છે.
કોર્ટના આદેશને પગલે એડિશનલ ચીફ સેક્રેટરી મુંબઈથી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે અમને જાણ હોત કે સોગંદનામામાં અન્યોએ પણ સહભાગ લીધો છે તો અમે તમને મુંબઈથી દિલ્હી કોર્ટમાં હાજરી આપવા બોલવત નહીં. અમને અધિકારીઓને બોલાવવામાં આનંદ નથી થતો. હકીકતમાં હાઈકોર્ટની આ પ્રથાની અમે નિંદા કરીએ છીએ.
બિનશરતી માફી માગતા સોગંદનામાની કોર્ટે નોંધ લીધી હતી. અગાઉના સોગંદનામામાં થયેલી કેટલીક ટિપ્પણીઓ અજાણતા થઈ હતી અને કોર્ટનો અનાદર કરવાનો હેતુ નહોતો એમ જણાવાયું હતું.
સુપ્રીમ કોર્ટે અગાઉ અરજદારની જમીન સરકારે ગેરકાયદે હસ્તગત કરી હોવાનું નોંધ્યું હતું. આર્મામેન્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઈન્સ્ટિટયૂટને ફાળવી હતી. કોર્ટના આદેશ છતાં અરજદારને ધક્કે ચડાવ્યા કરાયો હતો. અરજદારને છેવટે જમીન ફાળવાઈ હતી જે વન્ય જમીન હોવાનું જણાયું હતું.