Get The App

ડીપફેક્સની સમસ્યાનો ઇલાજ કરવા સરકારી ગાઇડલાઇન્સ બહાર પડાશે

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
ડીપફેક્સની સમસ્યાનો ઇલાજ કરવા સરકારી ગાઇડલાઇન્સ બહાર પડાશે 1 - image


અસલી નકલી ચહેરાને ઓળખવાનું મુશ્કેલ બન્યું 

અન્ય દેશો દ્વારા આ સમસ્યા બાબતે શું પગલાં લેવામાં આવ્યા છે તે સમજવાનો સરકારે પ્રયાસ કરવો જોઇએ 

મુંબઇ :  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ ડીપ લર્નિગ દ્વારા બનાવટી ઘટનાઓ અથવા વ્યક્તિઓની એવી હૂબહુ તસવીરો બનાવવામાં આવે છે કે તેને અસલ તસવીરથી અલગ પાડવાનું મુશ્કેલ બની રહે છે. આ ડીપ ફેક ટેકનોલોજીનો ભોગ બોલીવૂડની હિરોઇનો આલિયા ભટ્ટ, કાજોલ, રશ્મિકા મંદાના અને કેટરિના કૈફ બની હતી અને તેમની આ પ્રકારની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટેકનોલોજીને કારણે ઉભાં થયેલાં પડકારોની એક જાહેર સભામાં વાત કરી તેને નવી કટોકટી ગણાવી હતી. 

વિવિધ અભિનેત્રીઓ આ ટેકનોલોજીનો ભોગ બન્યા બાદ આ મામલે જાહેર ચર્ચા શરૃ થઇ છે. કેન્દ્રના માહિતી ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ડીપફેકની સમસ્યાને નાથવા માટે  સરકાર ટૂંક સમયમાં કાયદાનો મુસદ્દો ઘડી કાઢશેે. બનાવટી અને ડીપફેક સામગ્રીને અલગ પાડવી અત્યંત જરૃરી છે. બીજી તરફ રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે વર્તમાન કાયદા આ સમસ્યાને નાથવા પૂરતાં હોવાનું જણાવ્યું હતું. આ પૂર્વે નવેમ્બરની શરૃઆતમાં ચન્દ્ર શેખરે જણાવ્યું હતું કેે જે લોકો ડીપફેક્સનો ભોગ બન્યા હોય તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવી જોઇએ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૃલ્સ ૨૦૨૧ હેઠળ પુરી પાડવામાં આવેલી સવલતનો લાભ લેવો જોઇએ. વપરાશકાર અથવા સરકાર દ્વારા રિપોર્ટ કરવામાં આવે તે પછી પ્લેટફોર્મ્સ દ્વારા ૩૬ કલાકમાં આ પ્રકારની સામગ્રી દૂર કરવી બંધનકારક છે. 

જો કે, નિષ્ણાતોના મતે આ અભિગમ પ્રત્યાઘાતી છે. સરકાર વિશદ અભિગમ કેળવી શું બની શકે તેને ધ્યાનમાં લઇ આગોતરાં પગલાં ભરે તો એઆઇના દુરૃપયોગમાંથી બચી શકાય.સાયબર સુરક્ષાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારી ગાઇડલાઇન્સમાં ત્રણ મુખ્ય બાબતોને પ્રાધાન્ય આપવું જોઇએ. પ્રથમ બાબત એ છે કે જે કંપનીઓ દ્વારા આવી એપ વિકસાવવામાં આવી હોય તેની સરકારમાં નોંધણી થવી જોઇએ. તેમના સર્વર પણ ભારતમાં જ હોવા જોઇએ. બીજી મહત્વની બાબત એ છે કે જો સરકાર કે કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ જે માહિતી માંગે તે તરત પુરી પાડવામાં આવે. ત્રીજી બાબત મેટાડેટાને જાળવી રાખવાનું ફરજિયાત બનાવવું જોઇએ. જેથી મૂળ ફાઇલ ક્યા સર્જવામાં આવી અને બાદમાં તેમાં કોણે સુધારા વધારા કર્યા તે જાણી શકાય.  

ઇન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશનના અપાર ગુપ્તાએ જણાવ્યું હતું કે ડીપફેક ટેકનો  ભોગ બનેલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઇએ એવું સૂચન કાયદાનો પ્રત્યાઘાતી ઉપયોગ સૂચવે છે પણ ઍા ડીપફેક્સ બિભત્સ કે નુકશાનકારક   ન હોય તો શું કરશો? હાલની આ વ્યવસ્થામાં  ડીપફેક્સ ટેકનોલોજીનો ભોગ બનનાર પર અમલનો સમગ્ર બોજ પડે તેમ છે. સરકારે આ મામલે અન્ય દેશો શું વિચારણા કરી રહ્યા છે તે  સમજી સહયોગ સાધવો જોઇએ. 

હવે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેન્દ્ર સરકાર રાજકારણીઓ આ ટેકનોલોજીનો ભોગ ન બને તે માટે એઆઇ ગાઇડલાઇન્સ જારી કરે તેવી સંભાવના છે. એકવાર ગાઇડલાઇન્સ જારી કરવામાં આવે તે પછી તેનો અમલ ફરજિયાત બનાવવામાં આવશે અને આખરે તેમાંથી કાયદો ઘડવામાં આવશે.સામાન્ય રીતે કાયદો બનવાની આ સમગ્ર પ્રક્રિયામાં બે વર્ષનો સમય લાગે છે. હજી સુધી કોઇ દુનિયામાં કોઇ દેશમાં સાર્વત્રિક એઆઇ નિયંત્રણ કાયદો ઘડાયો નથી.  



Google NewsGoogle News