ધર્મગુરુ વિરોધી વિડીયો દૂર નહીં કરવા બદલ ગુગલને નોટિસ
હાઈકોર્ટે આદેશ આપ્યો હોવા છતાં ભારત બહાર યુટયુબ પર ઉપલબ્ધ
એનજીઓએ કોર્ટના તિરસ્કારની અરજી કરતાં ગુગલનો ખુલાસો મગાયોઃ બહાનાં દ્વારા ગુગલ વિલંબની પ્રયુકિત અજમાવે છે તેવો આરોપ
મુંબઈ : હાઈકોર્ટના આદેશ છતાં યુટયુબ પર પોસ્ટ કરાયેલા એક એનજીઓ અને આધ્યાત્મિક ગુરુ સામેના બદનામી કરતા અને અશ્લીલ વિડીયોને દૂર નહીં કરવા બદલ સ્થાનિક કોર્ટે ગુગલને નોટિસ જારી કરી છે.
એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (બેલાર્ડ એસ્ટેટ)એ યુ બહિરે ગયા સપ્તાહે એનજીઓએ કરેલી અવમાન યાચિકા પર ગુગલને નોટિસ મોકલાવી હતી. વધુ સુનાવણી ત્રીજી જાન્યુઆરી ૨૦૨૫ પર રાખવામાં આવી છે. પશુ કલ્યાણ માટે સમર્પિત હોવાનો દાવો કરતી એનજીઓ ધ્યાન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે અજ્ઞાાત વ્યક્તિએ યુટયુબ વિડીયાને પોતાના વિરુદ્ધ અને આધ્યાત્મ ગુરુ યોગી અશ્વિની વિરુદ્ધ વિડીયાલિંક અપલોડ કરી છે. વાંધાજનક સામગ્રી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થઈ હતી. . આથી સંસ્થા તથા ગુરુ બંનેની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.
સંસ્થાએ અરજીમાં જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી માન્ય કરીને યુટયુબને ૩૧ માર્ચ ૨૦૨૪ના વાંધાજનક સામગ્રી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. છતાં વિડીયા હજી પણ ભારતની બહાર યુટયુબ પર જોઈ શકાય છે અને દરેક લોકો જોઈ શકે છે, એમ અરજીમાં જણાવ્યું હતું. ગુગલે ઈરાદાપૂર્વક હાઈકોર્ટનો આદેશ છતાં વિડીયો દૂર કર્યા નહોવાનું અરજીમાં જણાવાયું છે.
નજીવા કારણસર સુનાવણી મોકૂફી માગીને ગુગલ વિલંબની યુક્તિ અપનાવી રહ્યું છે અને સંસ્થા તેમ જ ગુરુની પ્રતિભા ખરડાઈ રહી છે, એમ સંસ્થાના વકિલે કોર્ટમાં દલીલ કરી હતી.
સ્થાનિક પોલીસ મથકના સિનિયર પીઆઈ દ્વારા પણ વિડીયો દૂર કરાવવા બાબતે કોઈ પગલાં ન લેવાયાની રજૂઆત બાદ આ પીઆઈને પણ નોટિસ અપાઈ છે.