કારખાના તથા જવેલરી શોપ પર દરોડામાં કરોડોનું સોનું જપ્ત

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
કારખાના તથા જવેલરી શોપ પર દરોડામાં કરોડોનું સોનું જપ્ત 1 - image


ડીઆરઆઈ દ્વારા 5  વિદેશી મહિલા સહિત 8ની ધરપકડ

મુંબઇ :  ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા સોનાને  પીગાળનારા કારખાના અને જવેલરી શોપ પર દરોડા પાડી સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરતા આઠ જણની ધરપકડ કરી હતી. આ દરમિયાન દાણચોરી કરાયેલા સોનામાંથી મેળવેલા રૃા.૩.૬૨ કરોડ, તેમજ રૃા.૨.૯૪ કરોડરોકડા અને ૨.૧ કિલોગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું હતું એમ એક અધિકારીએ કહ્યું હતું.

સાડા છ કરોડ રોકડા અને ૨.૧ કિલોગ્રામ સોનું જપ્ત, દાણચોરીના સોનાના નિકાલ બાબતે કાર્યવાહી

ડીઆરઆઇએ એક રીલીઝમાં જણાવ્યું હતું કે  આ મામલામાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એમા કેન્યાની ચાર મહિલા અને તાન્ઝાનિયાની એક મહિલાનો સમાવેશ છે. તેમનો ઉપયોગ સોનાની  દાણચોરી માટે કરવામાં આવતો હતો.

ડીઆરઆઇની ટીમે ચોક્કસ માહિતીના આધારે દાણચોરી કરેલા સોનાને પીગાળનારા કારખાના અને ત્યારબાદ દાણચોરીના સોનાને ખરીદનારા ઝવેરીની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

 મુંબઇમાં આ કારખાના અને જવેલરી શોપમાંથી ભારતમાં દાણચોરી કરાયેલું ૨.૧ કિલોગ્રામ સોનું, ભારતીય ચલણના રૃા.૮૪.૧૫ લાખની કિંમતના એક લાખ યુએસ ડોલર, રૃા.૨.૩૨ કરોડની રોકડ કબજે કરવામાં આવી હતી. કારખાનાનો માલિક રીઢો ગુનેગાર છે અને અન્ય કેસમાં વોન્ટેડ હતો.

ડીઆરઆઇ દ્વારા બે હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આફ્રિકાની ગેંગ હોટેલમાંથી રેકેટ ચલાવતી હતી. આ હોટેલમાંથી પણ રૃા.૨.૮૭ કરોડની  કિંમતનું વિદેશી ચલણ અને રૃા.૬૩ લાખ રોકડ મળી આવી હતી.

ગત એપ્રિલમાં સુદાનના નાગરિકીનો કેરિયર તરીકે દાણચોરી માટે ઉપયોગ કરતા એન્ય એક સિન્ડિકેટનો ડીઆરઆઇ દ્વારા પર્દાફાશ કરાયો હતો.



Google NewsGoogle News