મરાઠા આરક્ષણ માટે જીવ આપું છું, માતાને મેસેજ કરી નદીમાં ઝંપલાવ્યું
મરાઠા આરક્ષણ મુદ્દે વધુ એક આપઘાત
મેસેજ મળ્યા બાદ માતા શોધવા નીકળી, ગોદાવરી કાંઠેથી બાઈક મળી
મુંબઈ : મરાઠા આરક્ષણની માગણી માટેનું આંદોલન અત્યારે ટાઢું પડયું છે ત્યારે અહમદનગર જિલ્લાના નેવાસા ગામે ૨૦ વર્ષના યુવકે આરક્ષણ ખાતર ગોદાવરી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.
મંગળવારે મોડી રાત્રે નદીના પુલ ઉપર ઉભા રહીને તેણે માતાને છેલ્લો મેસેજ કર્યો હતો કે 'મરાઠા આરક્ષણ માટે હું જીવ આપું છું.' મેસેજ કરી મહેશ ઉર્ફે ઓમ મોહન મોરે (૨૦) નામના યુવકે નદીમાં ધૂમકો માર્યો હતો.
માતાએ મોબાઈલમાં મેસેજ વાંચ્યા બાદ પરિવારના સભ્યો દીકરાને ગોતવા નીકળી પડયા હતા. ભારે શોધખોળ બાદ ગોદાવરી નદીના પુલ પર મૃતકની બાઈક પડેલી મળી આવી હતી. આથી અનુમાન લગાડવામાં આવ્યું હતું કે તેણે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હશે. પોલીસે આખી રાત શોધખોળ કર્યા બાદ બુધવારે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો.