જેલમાં પ્રસૂતિ થાય તો માતા અને બાળક પર અવળી અસર પડશેઃ હાઈકોર્ટ
ગાંજા સાથે પકડાયેલી સગર્ભાને પ્રસૂતિ માટે જામીન મંજૂર
સગર્ભા સામે સબળ પુરાવા છે પણ માનવતાની રીતે પણ વિચારવું જરુરી હોવાનું કોર્ટનું નિરીક્ષણ
મુંબઈ : સગર્ભા મહિલા કેદીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ૨૭ નવેમ્બરે છ મહિનાના જામીન આપ્યા હતા. કોર્ટે નોંધ કરી હતી કે જેલના વાતાવરણમાં પ્રસૂતિ કરવાથી માતા પર જ નહીં પણ બાળક પર પણ અવળી અસર થશે.
ન્યા. ઉર્મિલા જોશ ફાળકેએ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ન્ન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ પકડાયેલી મહિલાને જામીન આપ્યા હતા.
પ્રસૂતિ માટે અરજદારને સરકારી હોસ્પિટલમાં ખસેડી શકાય છે એ વાત સાચી જોકે જેલના વાતાવરણમાં ગર્ભાવસ્થા દરમ્યાન બાળક અવતરતાં અરજદાર પર જ નહીં પણ બાળક પર પણ અસર થશે એ વાત અવગણી શકાય નહીં. દરેક કેદી સહિત દરેક વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે ગરીમાને પાત્ર છે. માનવીય અભિગમ ધરાવવો જરૃરી હોવાનું નોંધીને કોર્ટે મહિલા કેદીને જામીન આપ્યા હતા.
મહિલા કેદી ૭.૦૬૧ કિ.ગ્રામ ગાંજા સાથે પકડાઈ હતી. કોર્ટે નોધ કરી હતીકે ૩૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ ધરપકડ સમયે મહિલા સગર્ભા હતી અને હાલ તેનો પ્રસૂતિ કાળ નજીકમાં આવી રહ્યો છે. જજે નોધ કરી હતી કે પ્રસૂતિમાં ગૂંચવણ ઊભી થવાના સંકેત છે અને આથી તેને ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા દાખલ થવાની જરૃર છે.
અરજદાર સામે પ્રથમદર્શી પુરાવા છે છતાં સુપ્રીમ કોર્ટની નિયમાવલી અનુસાર અમુક બાબતોને ધ્યાનમાં લેવી જરૃરી છે કે અરજદારને જામીન આપવાથી તપાસ પર કોઈ અસર થાય તેમ નથી. આથી અરજદારને કામચલાઉ જામીન આપવા માનવતાની દ્રષટીએ યોગ્ય છે, એમ જજે નોધ કરી હતી.