અહં છોડો નહિ તો પતન થશેઃ આરએસએસ વડા ભાગવત
રામકૃષ્ણ પરમહંસને યાદ કર્યા
સામાજિક ધોરણોનું પતન થયું લાગે છે પરંતુ ઘણાં ઉમદા કાર્યો થઈ રહ્યાં છે
મુંબઈ : અહં છોડો નહિ તો પતન થવાનું નિશ્ચિત છે એમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું. રામકૃષ્ણ પરમહંસના બોધમાંથી પ્રેરણા લઈને ભાગવતે કાચા હુંકાર અને પાકા હુંકાર વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે અહંકારથી દૂર રહેવાની સલાહ આપતા કહ્યું તે તેનાથી વ્યક્તિગત અને સામાજિક પ્રગતિ અવરોધાય છે.
રાષ્ટ્રીય સેવક સંઘના ચીફ મોહન ભાગવતે સામાજિક વિશ્વાસ અને પ્રગતિ માટે અહંનો ત્યાગ અને નિસ્વાર્થ સેવા કરવાના મહત્વ પર ભાર મુક્યો હતો. પુણેમાં ભારત વિકાસ પરિષદના વિકલાંગ કેન્દ્રના રજત જયંતિ કાર્યક્રમ ખાતે બોલતા તેમણે જણાવ્યું કે નિસ્વાર્થ સેવા સ્થાયી ખુશાલી આપે છે અને સમુદાયમાં એકતાની પ્રેરણા આપે છે. ભાગવતે જણાવ્યું કે સામાજિક ધોરણોનું પતન થયું હોવા છતાં સમાજમાં હજી પણ સકારાત્મક અને ઉમદા કાર્યો થઈ રહ્યા છે. તેમણે લોકોને આવી પ્રવૃત્તિઓને વધુ પ્રમાણમાં પ્રસિદ્ધિ આપવાની હાકલ કરી.
ભાગવતના મતે વ્યક્તિઓએ પોતામાં રહેલા ઈશ્વર સાથે જોડાણ કરીને નિસ્વાર્થ સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ અને અહંકારને ત્યજવો જોઈએ જેથી પતનથી બચી શકાય. ભાગવતે માનવતા અને સેવાની પરિવર્તનકારી શક્તિ પર ભાર મુક્યો હતો.
આરએસએસ ચીફએ સેવાના વ્યાપક લક્ષ્યાંક પ્રત્યે પણ ધ્યાન દોર્યું, જેથી સમાજના તમામ વિભાગોને દેશના વિકાસમાં ફાળો આપવા સશક્ત કરી શકાય. ભાગવતે જણાવ્યું કે સેવા માત્ર દાન નથી પણ રાષ્ટ્રની પ્રગતિ માટે સક્ષમ નાગરિકો ઘડવાનો ઉપાય પણ છે. ભાગવતે જણાવ્યું કે રાષ્ટ્રનો વિકાસ વ્યક્તિઓને તેમની પૂરી ક્ષમતા હાંસલ કરવા સક્ષમ બનાવવા પર આધાર રાખે છે.
ભારત વિકાસ પરિષદના વિકલાંગ કેન્દ્રની પ્રશંસા કરતા ભાગવતે કૃત્રિમ અંગ અને મોબિલિટી એઈડ્સ દ્વારા તેમને સશક્ત બનાવવાના પ્રયાસોની સરાહના કરી. તેમણે સમાજમાં અસરકારક અભિયાનો ચલાવવા માટે આરએસએસના કાર્યકરોની મહત્વની ભૂમિકાની પણ કદર કરી.