ગર્લફ્રેન્ડ પતિની સ્વજન ન ગણાય, આથી તેની સામે ઘરેલુ હિંસાનો કેસ ન બને
ઘરેલુ અત્યાચારના કેસમાં આરોપી ગણાવાયેલી મહિલાની તરફેણમાં ચુકાદો
આઈપીસી 498-એમાં અપાયેલી પતિના સ્વજનોની વ્યાખ્યામાં પતિની ગર્લફ્રેન્ડનો સમાવેશ થતો નથીઃ બોમ્બે હાઈકોર્ટ
મુંબઈ : બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે પતિની ગર્લફ્રેન્ડને પત્ની પર ઘરેલુ અત્યાચારના કેસમાં આરોપી ગણવાનો ઈનકાર કર્યો છે. હાઈકોર્ટનાં અવલોકન અનુસાર આઈપીસી ૪૯૮-એ હેઠળ અપાયેલી પતિના સ્વજનોની વ્યાખ્યામાં પતિની ગર્લફ્રેન્ડનો સમાવેશ થતો નથી.
હાઈકોર્ટે કહ્યું હતું કે ઘરેલુ અત્યાચારને લગતી કલમ ૪૯૮ એમાં પતિના સ્વજનો કોને ગણી શકાય તે પારિભાષિત કરેલું છે. પતિની ગર્લફ્રેન્ડ પતિના સ્વજનોની કેટેગરીમાં આવતી નથી. આથી, તેની સામે આ કલમ હેઠળ કેસ ચાલી શકે નહીં.
આ કેસમાં પત્નીએ તેના પતિ સામે ઘરેલુ અત્યાચારનો કેસ કર્યો હતો. તેમાં પતિના લગ્નબાહ્ય સંબંધોના કારણે પોતાના પર અત્યાચાર ગુજારાતો હોવાનો દાવો કર્યો હતો અને પતિ જેની સાથે લગ્નબાહ્ય સંબંધ ધરાવતો હતો તે મહિલાને પણ આરોપી તરીકે દર્શાવી હતી. પોલીસે કેસ નોંધીને પતિની ગર્લફ્રેન્ડ ગણાવાયેલી મહિલા સામે પણ ચાર્જશીટ ફાઈલ કરી હતી. અરજદાર મહિલાએ આ ચાર્જશીટને હાઈકોર્ટમાં પડકારી હતી.
ન્યાયમૂર્તિ વિભા કાનંકણવાડી તથા ન્યાયમૂર્તિ વૃશાલી જોશીની ખંડપીઠે કહ્યું હતું કે કલમ ૪૯૮એમાં પતિ કે તેના પરિવારજનો દ્વારા પત્ની પર ઘરેલુ અત્યાચારને ગુનાઇત કૃત્ય ગણવામાં આવ્યું છે. તેમાં ત્રણ વર્ષ સુધીની કેદ તથા દંડની સજાની જોગવાઈ છે. જોકે, આ કેસમાં અરજદાર મહિલા પતિના સ્વજનની વ્યાખ્યામાં આવતી નથી. આથી તેની સામે કલમ ૪૮૯ એ લાગુ પડી શકે નહીં.
હાઈકોર્ટે એમ પણ ઠેરવ્યુ ંહતું કે આ કેસમાં થયેલી ચાર્જશીટ ગેરકાયદેસર છે કારણ કે તેમાં કાનૂની વ્યાખ્યા નહિ પરંતુ લગ્નબાહ્ય સંબંધના આરોપોનો આધાર લેવામાં આવ્યો છે.
ચંદ્રપુરમાં એક શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતી મહિલાને ઘરેલુ અત્યાચારના કેસમાં પતિ તથા તેના અન્ય સ્વજનોની સાથે આરોપી તરીકે દર્શાવવામાં આવી હતી. અરજદાર મહિલાએ દલીલ કરી હતી કે આ કલમ માત્ર પતિ તથા તેના પરિવારજનોને લાગુ પડી શકે છે અને તેની સામે મૂકાયેલા આરોપો આ કેસના આરોપી પતિ સાથેના તેના સંબંધોના કારણે દ્વૈષ રાખીને મૂકવામાં આવ્યા છે.
હાઈકોર્ટે આ અરજદાર મહિલા સામે ચન્દ્રપુરની કોર્ટ માં હાથ ધરાયેલી તમામ કાર્યવાહી રદબાતલ ઠેરવી હતી.