ટ્રેનમાં ભુલથી મુંબઈ પહોંચી ગયેલી યુવતી પર બળાત્કારઃ દેહ વ્યાપારમાં ધકેલી દેવાઈ
યુ.પી.થી ટ્રેનમાં સુરત જવા નીકળેલી યુવતી બોરીવલી ઉતરી હતી
સ્ટેશને ફરતા ગેંગને સભ્યએ તેને વાતોમાં ભોળવી નાલાસોપારા લઈ જઈ અત્યાચાર ગુજાર્યો, મહિલા દલાલને 2.5 લાખમાં વેંચી દીધી
મુંબઈ : યુ.પી.થી ટ્રેનમાં સુરત જવા નીકળેલી ૨૦ વર્ષીય યુવતી ભૂલથી બોરીવલી પહોંચી ગઈ હતી. માનસિક બિમારીનો ઈતિહાસ ધરાવતી આ યુવતી ત્યારબાદ દેહવેપાર ચલાવતા એક ગેંગના હાથમાં આવી ગઈ હતી. આ યુવતી પર એક વ્યક્તિએ અત્યાચાર ગુજારી તેને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. તાજેતરમાં થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ મજબૂર યુવતીનો છૂટકારો કર્યો હતો અને આરોપીને મધ્ય પ્રદેશથી પકડી પાડયો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર યુ.પી.માં રહેતી ૨૦ વર્ષની યુવતી ફેબુ્રઆરી મહિનામાં સુરતમાં રહેતી તેની એક બહેનપણીને મળવા ટ્રેનમાં નીકળી હતી. જોકે ભૂલથી તે બોરીવલી પહોંચી ગઈ હતી. યુવતી મુંબઈ પહોંચી જતા મૂંઝાઈ ગઈ હતી. આ સમયે રેલવે સ્ટેશન પર ફરતો અને દેહવેપારના ગેંગના એક સભ્ય એવા આરોપીએ તેને જોઈ હતી. તેણે યુવતીને સાંત્વના આપી હતી અને નોકરી અને રહેવાની વ્યવસ્થા કરી આપવાનું વચન આપી જો તેને ફરી યુ.પી. જવું હશે તો તેની પણ વ્યવસ્થા કરી આપશે તેવું આશ્વાસન આપ્યું હતું.
અબૂધ અને અજાણ યુવતી તરત આરોપીની વાતોમાં આવી ગઈ હતી અને તેની સાથે ચાલી નીકળી હતી. આરોપી યુવતીને નાલાસોપારાની એક રૃમમાં ગોંધી રાખી તેના પર અત્યાચાર ગુજાર્યો હતો. આ યુવતીને ત્યારબાદ તેણે અઢી લાખ રૃપિયામાં મુંબઈના એક રેડલાઈટ એરિયામાં મહિલા દલાલને વેચી દીધી હતી. આ મહિલા દલાલ ત્યારબાદ યુવતીને અન્ય દલાલને વેચી દીધી હતી. જોકે યુવતીને માનસિક બિમારી હોવાથી આ દલાલે યુવતીને ફરી જૂની મહિલા દલાલને સોંપી દીધી હતી.
યુવતીએ દેહવેપાર કરવાની ના પાડતા મહિલા દલાલે ચૂકવેલા અઢી લાખ વસૂલવા તેણે યુવતીને તેની કિડની વેચી દેશે તેવી ધમકી આપી હતી. યુવતી અત્યાચાર સહન કરી રહી હતી તે વાતની જાણ થાણે પોલીસને થઈ હતી. થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ડમી ગ્રાહક મોકલી યુવતીનો છૂટકારો કર્યો હતો ત્યારબાદ યુવતીને દેહવેપારમાં ધકેલનાર આરોપીને મધ્ય પ્રદેશના હેડીયા પોલીસની મધ્યથી પકડી લીધો હતો. આરોપી આ પહેલાં પણ કથિત રીતે એક સગીરા સાથે આવું કૃત્ય કરવાના કેસમાં સંડોવાયેલા હોવાનું જણાયું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.