શિક્ષક ભરતીમાં વિલંબ વિશે પૂછતાં યુવતીને શિક્ષણમંત્રીએ ધમકાવી
જાહેરમાં જ કેસરકરે કહ્યું, તમે સરકારી નોકરીને લાયક નથી
તમારું નામ મેળવીને ડિસક્વોલીફાય કરીશ તેવી ધમકી, વીડિયો વાયરલ થતાં વિપક્ષોએ શિક્ષણમંત્રીનો ક્લાસ લીધો
મુંબઇ : બીડમાં સોમવારે યોજાયેલાં એક જાહેર સમારોહમાં શિક્ષિકાની નોકરી મેળવવા માંગતી યુવતીએ શિક્ષકોની ભરતીની મોડી પડેલી પ્રક્રિયા બાબતે સવાલ કરતાં શિક્ષણ પ્રધાન દિપક કેસરકરે પિત્તો ગુમાવી યુવતીને ધમકાવી નાંંખતા વિપક્ષોએ શિક્ષણ પ્રધાનનો ક્લાસ લઇ નાંખ્યો છે અને તેમની આ ગાજવીજનો વિડિયો પણ વાઇરલ થઇ ગયો છે.
બીડ શહેરમાં યોજાયેલાં એક કાર્યક્રમમાં યુવતીએ સવાલો કરતાં શરૃઆતમાં તો શિક્ષણ પ્રધાન કેસરકરે શાંતિથી જવાબો આપ્યા હતા પણ યુવતીએ સવાલો કરવાનું ચાલુ રાખતાં કેસરકરે ભડકીને જણાવ્યું હતું કે તમારી આવી અશિસ્ત જોતાં તમે સરકારી નોકરીને લાયક નથી. યુવતીએ દર્શાવ્યું કે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પાંચ વર્ષથી વિલંબમાં પડી છે ત્યારે કેસરકરે આ યુવતીને શ્રદ્ધા અને સબૂરી રાખવાની સલાહ ફટકારી હતી. તેમણે એ યુવતીને પ્રસાર માધ્યમો સાથેની વાતચીત બાદ મળવા જણાવી ઉમેર્યું હતું કે હું જેટલો કડક છું એટલો જ પ્રેમાળ પણ છું.
કેસરકરે એ પછી કેમેરા સામે ફરી એ યુવતી વિશે વાત કરવાનું ચાલુ રાખતાં જણાવ્યું હતું કે મારા માટે વિદ્યાર્થીઓ મહત્વના છે. અને જો શિસ્ત પાળવામાં ન માનતાં શિક્ષકો વિદ્યાર્થીઓમાં પણ આવી ટેવો પાડશે તો તેઓ સહન નહીં કરે. મારે એવા શિક્ષકો જોઇએ છે જે શિસ્ત રાખી ભણાવે, મારે એવા શિક્ષકોની કોઇ જરૃર નથી જે માત્ર તેમના અધિકારોની જ વાત કરે અને વિદ્યાર્થીઓની વાત ન કરે. આખરે તો રાજ્યનું ભાવિ તેઓ ઘડે છે. આ તબક્કે મહિલાએ વચ્ચે એટલું જ કહ્યું કે મારી એટલી જ વિનંતી છે...ત્યાં કેસરકરે તાડુકીને જણાવ્યું હતું કે મને ખલેલ ન પાડો નહીં તો હું તમારું નામ ંમેળવી તમને ગેરલાયક ઠરાવીશ! આ વિડિયો વાઇરલ થઇ જતાં વિરોધપક્ષોએ મહિલા સાથે ખરાબ રીતે વર્તવા બદલ કેસરકરની આકરી ટીકા કરી હતી.
એનસીપીના સાંસદ સુપ્રિયા સૂળેએ જણાવ્યું હતું કે આ સરકારને સત્તા અને નાણાંનો મદ ચડયો છે. જો તમે શિક્ષકોનું અપમાન કરશો તો મહારાષ્ટ્ર સાંખી નહીં લે. અમે શિક્ષકોની પડખે છીએ. મહિલાઓનું અપમાન કરવાની ભાજપની પરંપરા છે અને હવે તેમના સાથી પક્ષો પણ તેમના માર્ગે ચાલી રહ્યા છે.
કોંગ્રેસના નેતા વિજય વડેવટ્ટીકરે જણાવ્યું હતું કે તમે કેટલા કડક છો તે સ્પષ્ટ છે માનનીય શિક્ષણ પ્રધાન. તમે જે બોલી રહ્યા છો તે મહારાષ્ટ્ર સાંભળી રહ્યું છે અને તમારું વર્તન જોઇ રહ્યું છે. નોકરીઓ મળવાની રાહ જોતાં યુવાનો શિક્ષણ પ્રધાનનો આ બોસ અભિગમ સહન કરશે તેવો સવાલ કરી તેમણે એક્સ પર શિક્ષણપ્રધાનનો વિડિયો જોડયો હતો.
મહારાષ્ટ્રમાં ૬૦,૦૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ગયા ડિસેમ્બરમાં ક્વોલિફાઇંગ પરીક્ષા માટે અરજીઓ મંગાવવા સાથે આ ભરતીની પ્રક્રિયા શરૃ થઇ હતી જે હજી પુરી થઇ નથી.શિક્ષણ પ્રધાને અગાઉ જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક સત્ર શરૃ થાય તે પહેલાં તેઓ જુન મહિનામાં જ ૩૦,૦૦૦ શિક્ષકોની નિયુક્ત કરી નાંખશે. પરંતુ આમ બન્યું નહોતું અને અંદાજે ૨૦,૦૦૦ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હજી ચાલુ છે. છે ક સપ્ટેમ્બરમાં ઓનલાઇન પ્લેટફોર્મ પવિત્રા શરૃ કરવામાં આવ્યું હતું પણ તેના પર હજી નિયુક્તિની જાહેરાત મુકવામાં આવી નથી. શિક્ષકની નોકરીઓ મેળવવા માંગતા લોકોએ ભરતીમાં થયેલાં વિલંબના વિરોધમાં અને વિદ્યાર્થીઓના ભણતરના નુકશાન બાબતે અનેક દેખાવો કર્યા હતા.